SP ઓફિસ સંકુલમાં પિતાએ ચાર સંતાનો સાથે ઝેર પીધું
પાટણ, ઉત્તર ગુજરાતમાં આવેલા પાટણમાં એક ચકચારી ઘટના બની હતી. અહીં એસપી ઓફિસ સંકુલમાં જ એક પિતાએ પોતાના ચાર સંતાનો સાથે ઝેરી દવા પી લીધી હતી. જેના પગલે સમગ્ર સંકુલમાં દોડધામ મચી ગઈ હતી. માનવામાં આવી રહ્યું છે કે આત્મહત્યાનો પ્રયત્ન કરનાર વ્યક્તિની પત્ની એક વર્ષ પહેલા અન્ય યુવક સાથે ભાગી ગઈ હતી.
જેના પગલે આ ચકચારી પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. ઝેરી દવા પીવાના કારણે ચાર સંતાનો સહિત પિતાની તબિયત બગડતા ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.
ચકચારી ઘટના અંગે વાત કરીએ તો પાટણ જિલ્લાના હારીજ તાલુકાના ખાખલ ગામના રહેવાસી રેવાભાઈ છનાભાઈ પરમારના પત્ની આશાબહેન અને તેની સાત વર્ષની પુત્રી એક વર્ષ પહેલા કમલેશ ગોસાઈ નામના શખ્સ સાથે ભાગી ગયા હતા. જે અંગે ૧૩ ઓકટોબર ૨૦૨૧ના રોજ રેવાભાઈ દ્વારા હારીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામા આવી હતી.
પોલીસ ફરિયાદ કરવા છતાં પણ તેમની પત્નીનો કોઈ પત્તો ના લાગતા આજે સોમવારે તેઓ પોતાની ત્રણ પુત્રી અને એક પુત્ર સાથે પાટણ રજૂઆત માટે આવ્યા હતા. પાટણ એસપી કચેરી સંકુલમાં રજૂઆત માટે આવેલા રેવાભાઈએ કોઈ કારણોસર પોતાના ચારેય સંતાનો સાથે ઝેરી દવા પી લેતા દોડધામ મચી હતી.
હાલ પાંચેયને ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા છે. પીડિતોમાં પિતા સહિત તેમની ૧૭ વર્ષીય, ૧૫ વર્ષીય અને ૧૨ વર્ષીય પુત્રી તથા ૧૬ વર્ષીય પુત્રનો સમાવેશ થાય છે.
આ અંગે ડીવાય એસપી આપ.પી. ઝાલાના જણાવ્યું હતું કે પીડિત પિતાએ હારિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે કમલેશગીરી નામનો યુવક તેની પત્ની અને સાત વર્ષની પુત્રને ભગાડી ગયો છે.
પોલીસને તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે પીડિતની પત્નીનુ નામ આશા બહેન નહીં પરંતુ રમિલા બહેન રાજપુત છે. અને તે રાજસ્થાનના પાલીના રહેવાશી છે. આશાબહેન આ પહેલા કલોકમાં એક અન્ય યુવક સાથે રહેતા હતા અને તેમને પણ સંતાનો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ત્યારબાદ પાટણ જિલ્લાનો એક અન્ય પુરુષ તેને ભગાડી ગયો હતો.
અને પછી સિદ્ધપુરના ગામમાં અત્યારે હાલમાં જે પતિ છે તેમનો સંપર્ક થયો અને પીડિત તેને પોતાના ઘરે લાવ્યા અને તેમનાથી ૪ સંતાનો છે. પત્ની ન મળતાં રેવાભાઈએ પરિવાર સાથે દવા પીધી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.SSS