નાકના મસાના ઓપરેશનમાં દર્દીનું મોત થતાં, તબીબને સંબંધીએ લાફો ઝીંક્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/11/Rajkot1.jpg)
રાજકોટ, રાજકોટમાં આવી ઘટના અવારનવાર બનતી હોય છે . કયારેક ડોક્ટરની ગંભીર ભૂલને કારણે દર્દીનું મોત થતું હોય છે. તેવો જ એક કિસ્સો આજે સામે આવ્યો છે જેમાં સાધુવાસવાણી રોડ પર આવેલ શાંતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે ખંભાળિયાના યુવાનનું સારવાર દરમિયાન મોત થતા પરિવારજનોએ ડોક્ટરની બેદરકારી સબબ મોત થયાનો આક્ષેપ લગાવ્યો હતો.
તેમજ હોસ્પિટલના તબીબો સાથે ઉગ્ર બોલાચાલી થતા મામલો ગરમાયો હતો અને હોસ્પિટલમાં હાજર તબીબને મૃતક યુવાનના સંબંધીએ લાફો ઝીંક્યો હતો અને બાદમાં મામલો વધુ ગરમાતા પોલીસ બોલવાની ફરજ પડી હતી.
શાંતિ હોસ્પિટલમાં સાગર રબારી નામના ૨૫ વર્ષીય યુવકનું આજે ૨૯ નવેમ્બરે સવારે નાકના મસાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન પૂર્ણ થયા બાદ ગણતરીની મિનીટોમાં આ યુવાનનું મૃત્યુ થયું હતું. મૃતક યુવકના પરિવારજનોએ ડોક્ટરની બેદરાકરીને કારણે પુત્રનું મોત થયું હોવાના આક્ષેપ લગાવ્યાં છે, અને યોગ્ય ન્યાયની માંગણી કરી હતી .
જાેકે દર્દીનુ ઓપરેશન સફળતાપૂર્વક થઇ ગયું હતું. આમ છતાં ઓપરેશન પહેલા સૂંઘાડવામાં આવેલી શીશી પરત ન ફરતા દર્દીનું મોત થયું છે. ઘણી વખત એવું બનતું હોય છે કે, શીશી સૂંઘાડ્યા બાદ દર્દીનું હ્રદય ધીમું અથવા તો બંધ થઇ જતું હોય છે આમ છતાં કયા કારણે દર્દી સાગરનું મોત થયું છે તેનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાવવામાં આવશે, જેનો રિપોર્ટ આવ્યા બાદ તેના મોતનું ચોક્કસ કારણ સામે આવશે.HS