ગોંડલથી રાજકોટનો હાઈવે પર ચોમાસુ વિત્યા બાદ પણ ગાબડાં પુરાયા નથી
ગોંડલ, ચોમાસુ વિત્યા બાદ પણ મુખ્ય ગણાતા નેશનલ હાઈવેની બદતર હાલત પ્રત્યે તંત્ર આંખ મિંચામણા કરી રહ્યું હોવાથી વાહનચાલકો પરેશાન છે. ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવેની હાલત મગરની પીઠ સમી બની છે હાઈવે પર ઠેરઠેર મોટા ગાબડાં વાહનોના ખાપીયા તોડ બની રહ્યા છે.
ખાસ કરી રીબડા અને શાપર કે શાપરથી આગળનો માર્ગ અત્યંત બદતર બન્યો છે. તાજેતરમાં શાપર ઓવરબ્રિજ પાસે ગાબડામાં ટ્રક ફસાતા ટ્રાફિક જામ થયો હતો.
વાહનોનું ફસાવુ તથા ટ્રાફિકજામના બનાવ અહીં રોજીંદા છે હાઈવે ઓથોરીટી દ્વારા હાલ થીગડાં મરાઈ રહ્યા છે. પરંતુ તે વાહનચાલકોની પરેશાની દૂર કરવામાં સફળ બન્યા નથી. બદતર હાલતમાં નેશનલ હાઈવેથી ત્રસ્ત વાહનચાલકો ભરુડી ટોલનાકાની ગેરવ્યવસ્થાથી વધુ ત્રસ્ત બની રહ્યા છે. ફાસ્ટટેગની સુવિધા અહીં હાંસીપાત્ર બની રહી હોય તેમ બુથ પસાર કરવા વાહનોની લાંબી કતારો લાગે છે.
ગોંડલ- રાજકોટ નેશનલ હાઈવે પરિવહન માટે ધોરીનસ સમાન ગણાય છે. આ માર્ગ પરથી વેરાવળ, સોમનાથ, દીવ, જૂનાગઢ, પોરબંદર સહિત પર્યટન સ્થળોનો મોટો ટ્રાફિક રહે છે. આ નેશનલ હાઈવે પરથી ધારાસભ્યો, સાંસદોની રોજીંદી આવન જાવન હોવા છતાં પ્રજાના આ પ્રતિનિધિઓ પણ નિષ્ક્રિય હોવાથી લોકોમાં તીવ્ર આલોચના થઈ રહી છે.