ભાજપના પોસ્ટરમાં પ્રખ્યાત તમિલ લેખક પેરુમલ મુરુગનનાં ફોટોનો ઉપયોગ કરાયો

નવીદિલ્હી, આગામી વર્ષે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાવાની છે. હજુ થોડો સમય છે, પરંતુ રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે. છેલ્લા દોઢ દાયકાથી એમસીડીની સત્તામાં રહેલી ભાજપ હાલમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને શાંત પાડવાનો પ્રયાસ કરી રહી છે. પાર્ટી હાલમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ આદેશ ગુપ્તાનાં નેતૃત્વમાં ‘ઝુગ્ગી સન્માન યાત્રા’નું આયોજન કરી રહી છે.
દિલ્હી ભાજપની ‘ઝુગ્ગી સન્માન યાત્રા’ પૂરી થતાં જ આ અભિયાનમાં એક વિવાદ પણ જાેડાઈ ગયો છે. ભાજપ દ્વારા આ ઝુગ્ગી સન્માન યાત્રાનાં પ્રચાર માટે લગાવવામાં આવેલા પોસ્ટરો અને હોર્ડિંગ્સમાં એક ફોટાને લઈને પાર્ટી પર સવાલો ઉભા થઈ રહ્યા છે.
જણાવી દઇએ કે, દિલ્હી ભાજપની ‘ઝુગ્ગી સન્માન યાત્રા’નાં પોસ્ટરમાં પ્રખ્યાત તમિલ લેખક પેરુમલ મુરુગનનાં ફોટોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની માહિતી મળી છે.
સોશિયલ મીડિયા પર શેર કરાયેલા ફોટો અનુસાર, ભારતીય જનતા પાર્ટીનાં દિલ્હી યુનિટે રાજધાનીમાં ઝૂંપડપટ્ટી સન્માન અભિયાનને પ્રોત્સાહન આપવા માટે તેના પોસ્ટરમાં પ્રખ્યાત તમિલ લેખક પેરુમલ મુરુગનની તસવીરનો ઉપયોગ કર્યો છે.
એક અહેવાલમાં જણાવાયું છે કે, ‘ઝુગ્ગી સન્માન યાત્રા’ અભિયાનનાં ભાગરૂપે દિલ્હીનાં ભાગોમાં મુકવામાં આવેલા પોસ્ટરોમાં અન્ય ઝૂંપડપટ્ટીનાં રહેવાસીઓ સાથે મુરુગનની તસવીરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ પોસ્ટરો સોમવારે પટેલ નગરમાં દિલ્હી ભાજપ યુનિટ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં પણ જાેવા મળ્યા હતા. ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને દિલ્હી ભાજપ અધ્યક્ષ આદેશ ગુપ્તાએ પણ આ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો.
સોશિયલ મીડિયા પર આ મામલો ઉછળ્યા બાદ દિલ્હી ભાજપનાં ઉપાધ્યક્ષ રાજન તિવારીએ કહ્યું કે, તેઓ ડિઝાઇન ટીમ સાથે તપાસ કરશે કે આ ભૂલનું કારણ શું છે.
ભાજપનાં અન્ય એક અજાણ્યા નેતાએ કહ્યું કે, પોસ્ટરની ડિઝાઇનનું કામ સામાન્ય રીતે ખાનગી એજન્સીને આઉટસોર્સ કરવામાં આવે છે અથવા પાર્ટીની ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ટીમ દ્વારા હેન્ડલ કરવામાં આવે છે. જાે કે, પોસ્ટરોની પૂર્વ મંજૂરી ભાજપનાં વરિષ્ઠ કાર્યકર્તાઓ પાસેથી લેવી પડતી હોય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રક્રિયા મુજબ, ભાજપનાં અગાઉનાં કાર્યક્રમ અથવા રેલીનાં અસલ ફોટોગ્રાફનો ઉપયોગ કરવો જાેઈએ, તેના બદલે તે ફોટોગ્રાફનો ઉપયોગ કરવો જાેઈએ જેનો સ્ત્રોત જાણીતો નથી.HS