કંગનાની સોશિયલ મીડિયા પોસ્ટ્સ પર સેન્સરશિપની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ

મુંબઇ, અભિનેત્રી કંગના રનૌત વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં ભવિષ્યમાં તેની તમામ સોશિયલ મીડિયા પોસ્ટને સેન્સર કરવાની માંગ કરવામાં આવી છે. જાે કે આ પિટિશન કોણે દાખલ કરી છે તે અંગે કોઈ માહિતી નથી. હાલમાં જ કંગનાએ ભટિંડાના એક વ્યક્તિ વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી છે.
કંગનાએ કહ્યું હતું કે મુંબઈ આતંકી હુમલાના શહીદોને યાદ કરીને પોસ્ટ લખ્યા બાદ તેને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. કંગનાએ કોંગ્રેસ અધ્યક્ષા શ્રીમતી સોનિયાજીને પણ અપીલ કરી અને લખ્યું, ‘તમે પણ એક મહિલા છો, તમારી સાસુ ઈન્દિરા ગાંધીજીએ અંતિમ ક્ષણ સુધી આ આતંકવાદ સામે મજબૂતીથી લડત આપી હતી. કૃપયા તમારા પંજાબના મુખ્ય પ્રધાનને આવા આતંકવાદી, વિઘટનકારી અને રાષ્ટ્રવિરોધી શક્તિઓના જાેખમો પર તાત્કાલિક પગલાં લેવા સૂચના આપો.
દિલ્હી એસેમ્બલીની પીસ એન્ડ હાર્મની કમિટીએ અભિનેત્રી કંગનાને સોશિયલ મીડિયા પર તેની કથિત અપ્રિય પોસ્ટને લઈને ૬ ડિસેમ્બરે સમન્સ પાઠવ્યું છે. સમિતિના અધ્યક્ષ રાઘવ ચઢ્ઢા છે.
કૃષિ કાયદા પરત આવવાથી નારાજ કંગનાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં ખાલિસ્તાની આતંકવાદી શબ્દનો ઉપયોગ કર્યો હતો. જેના કારણે દિલ્હી અને મુંબઈનો શીખ સમુદાય ગુસ્સે થયો કે કંગનાએ ખેડૂતોને ખાલિસ્તાની કહીને શીખ સમુદાયનું અપમાન કર્યું છે. આ પછી કંગના વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી છે.HS