Western Times News

Gujarati News

મ્યુનિ. કોર્પો.ની ઓફિસોમાં વીજ ઉપકરણોના વપરાશમાં કરકસર કરવા કમિશ્નરનો આદેશ

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, દેશ આઝાદ થયા બાદ રાજાઓના રજવાડા ગયા છે પરંતુ સરકારી અધિકારીઓના ઠાઠ રાજા- મહારાજાઓને પણ આંટી જાય તેવા રહયા છે. મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓ પણ દોમ દોમ સાહબી ભોગવી રહયા છે.

મ્યુનિ. અધિકારીઓની દસ ફુટ બાય દસ ફુટની ઓફીસમાં બે એ.સી. એક પંખો તથા બે થી ત્રણ લાઈટો જરૂર જાેવા મળશે જેના કારણે લાઈટબીલની રકમ પણ આસમાને જાય છે. કોરોના કાળમાં આર્થિક ભીંસ ભોગવી રહેલા મનપાના કમિશ્નર છેલ્લા ઘણા સમયથી કરકસર માટે પ્રયાસ કરી રહયા છે જેના ભાગરૂપે અધિકારીઓને પણ બિનજરૂરી લાઈટ, પંખા તથા એ.સી.નો ઉપયોગ બંધ કરવા માટે આદેશ કર્યા છે.

અમદાવાદ શહેરના ર૧ લાખ કરદાતાઓના પરસેવાની કમાણીનો કેવો દુર્વવ્ય થાય છે તે જાેવા માટે મ્યુનિ. કોર્પોરેશનની ઓફીસોની મુલાકાત લેવી જરૂરી છે.

મ્યુનિ. કોર્પોરેશનમાં ફરજ બજાવતા અધિકારીઓ તેમની ઓફીસમાં હાજર હોય કે ન હોય પરંતુ એ.સી. મશીન સતત ચાલતા રહે છે સાથે સાથે લાઈટો પણ પ્રકાશ ફેલાવતી રહે છે આ અધિકારીઓ ઓફીસથી ઘરે કે અન્ય સ્થળે જવા માટે પ્રયાસ કરવાના હોય તેની ૧૦ થી ૧પ મીનીટ અગાઉ ગાડી ડ્રાયવરને ફોન કરીને એ.સી ચાલુ કરવા માટે આદેશ થતા હોય છે તેવી જ રીતે ઓફીસ આગમનના અડધા કલાક પહેલા જ ફોન કરીને એ.સી. શરૂ કરવા ફરમાન થતા રહે છે.

મ્યુનિ. અધિકારીઓનો વૈભવ રાજા- મહારાજાઓને પણ શરમાવે તેવો છે. એક અંદાજ મુજબ મ્યુનિ. કોર્પોરેશનના કોઈપણ વિભાગમાં સાતથી આઠ એ.સી. મશીનો, દસ જેટલા પંખા અને ૩૦ કરતા વધુ લાઈટો નાંખવામાં આવી છે.

પ્રજાના કહેવાતા સેવકો પણ આવી જ “સાહબી” ભોગવી રહયા છે. જેના કારણે જ મ્યુનિ. કોર્પોરેશનના મધ્યસ્થ દાણાપીઠ કાર્યાલયના “સી” બ્લોકમાં ૧૩૦ જેટલા એ.સી. મશીન છે જયારે સેન્ટ્રલાઈઝ એ.સી. સીસ્ટમ અલગથી ઉપલબ્ધ છે. જેની ક્ષમતા ૩ર૦ એચ.પી.ની છે. દાણાપીઠ “સી” બ્લોકમાં જ લગભગ બે હજાર નંગ એલઈડી લાઈટો નાંખવામાં આવી છે.

તદ્‌પરાંત એ બ્લોક (હેરીટેજ)માં ૧.પ ટનના ચાર અને બે ટનના બે એ.સી છે. બી બ્લોકમાં ૧.પ ટનના ૪૬ અને બે ટનના ર૭ તથા “ડી” બ્લોકમાં ૧.પ ટનના ૧ર અને બે ટનના ૧ર એ.સી. મશીન છે. આમ, મ્યુનિ. કોર્પોરેશનના મુખ્ય દાણાપીઠ કાર્યાલયમાં જ દોઢ ટનના કુલ ૧પ૧ તેમજ બે ટનના ૬૩ એ.સી. લગાવવામાં આવ્યા છે જયારે ૩ર૦ એચ.પી.નો સેન્ટ્રલ એ.સી. પ્લાન્ટ “બોનસ”માં ચાલી રહયો છે.

મ્યુનિ. ભવનના “સી” બ્લોકમાં મેયર, કમિશ્નર, ડે. કમિશ્નરો, સ્ટે. ચેરમેન સહીતના મહાનુભવોની ઓફીસ છે જેમાં ૧૬ રેફ્રીજરેટર અને ૧૧ વોટર પ્યોરી ફાયર છે મ્યુનિ. ભવન જેવી જ પરિસ્થિતિ ઝોનલ ઓફીસો, વોર્ડ ઓફીસો, હોસ્પિટલો, એ.એમ.ટી.એસ, એમ.જે. તથા સ્કુલબોર્ડમાં જાેવા મળે છે.

આ તમામ ઓફીસોમાં જરૂરીયાત કરતા વધુ એ.સી. મશીન લગાવવામાં આવ્યા છે. જેના કારણે વીજ વપરાશ વધી ગયો છે. ખાસ કરીને અધિકારીઓ ગેરહાજર હોય તેવા સમયે પણ એ.સી. અને લાઈટો ચાલતા હોય છે જેના કારણે મ્યુનિ. કમિશ્નરે વીજળી બચાવવા માટે ખાસ પરિપત્ર કર્યા છે તથા બિનજરૂરી વીજ વપરાશ અટકાવવા આદેશ કર્યા છે.

મ્યુનિ. કોર્પોરેશનના સુત્રોએ જણાવ્યા મુજબ મ્યુનિ. કોર્પોરેશનની તમામ મિલ્કતો જેમાં મધ્યસ્થ કાર્યાલય, ઝોનલ વોર્ડ ઓફીસો, એલટીપી પ્લાન્ટ, હોસ્પીટલો, વોટર પ્લાન્ટ વગેરેનું માલિક વીજ બીલ રૂા.ર૭ થી ૩૦ કરોડ આવે છે ર૦ર૦-ર૧ના વર્ષમાં દાણાપીઠ કાર્યાલયનું બીલ રૂા.૮૦૮૩૮૬ર આવ્યુ હતું જયારે ર૦ર૧-રર ના ચાર મહીનામાં લાઈટ બીલ રૂા.૩પ૧૬૪૪ર આવ્યું છે. જયારે નાણાંકીય વર્ષના પ્રથમ ચાર મહિનામાં જ મ્યુનિ. કોર્પો.ની તમામ મિલ્કતનું લાઈટ બીલ રૂા.૧૦૬ કરોડ આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.