પિતાવિહોણી ૩૦૦ દીકરીઓનો શનિ-રવિએ ભવ્ય લગ્ન સમારોહ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/12/marriage-scaled.jpg)
સુરતમાં પી.પી. સવાણી ગ્રુપ દ્વારા ૧૧મો સમૂહ લગ્નોત્સવ-પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી ૩૦૦ દીકરીઓના “ચૂંદડી મહિયરની” નામે આગામી ૪ અને પ ડિસેમ્બરે આયોજન
સુરત, પિતા વિનાની દીકરીઓના પાલક પિતાની જવાબદારી નિભાવી અનેક સેવાકીય કાર્ય કરતા સુરતના પી.પી. સવાણી પરિવાર દ્વારા એક વર્ષના કોરોનાના કારણે પડેલા અંતરાલ બાદ આ વર્ષે ફરી બે દિવસના ભવ્ય લગ્ન સમારોહનું મર્યાદીત મહેમાનોની હાજરીમાં આયોજન કર્યું છે.
પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી ૩૦૦ દીકરીઓના “ચૂંદડી મહિયરની” નામે આગામી ૪ અને પ ડિસેમ્બરે આયોજન થયું છે. હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ ચારેય ધર્મની દીકરીઓના એમના ધર્મ- વિધિ અનુસાર ૧૧મો લગ્ન સમારોહ યોજાશે.
આ વર્ષે ૩૦૦ દીકરીઓ પૈકીની ૧૦૩ દીકરીઓ એવી છે કે જેને પિતા અને માતા કે મોટાભાઈ એવો કોઈ આશરો નથી, એવી દીકરીઓનું કન્યાદાન મહાનુભાવોના હસ્તે થશે. પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી ૪૪૪૬ દીકરીઓના પાલક પિતા તરીકેની જવાબદારી નિભાવતા સુરતના પી.પી.સવાણી પરિવાર આજ સુધી લગભગ ૩૦૦૦ જેટલી દીકરીઓનું કરિયાવર સાથે કન્યાદાન કરી ચુકયું છે.
દીકરીને પોતીકું લાગે અને એના લગ્ન વિશેના તમામ સપના પુરા થાય એવી તમામ વ્યવસ્થા આ લગ્ન સમારોહ છેલ્લા એક દાયકાથી વધુ સમયથી થતી આવી છે. લાગણીશીલ અને કરુણામય આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવોની સાથે જ કોવીડ-૧૯ માં સેવા આપનાર પર (બાવન) સંસ્થાના પ્રમુખ- ઉપપ્રમુખ, ડોકટર, વકીલ, સી.એ અને પ્રેસ-મીડિયાના પ્રતિનિધિઓના હસ્તે કન્યાદાન થશે.
પત્રકાર પરિષદમાં પી.પી. સવાણી ગ્રુપના મહેશભાઈ, રમેશભાઈ અને રાજુભાઈએ ચુંદડી મહિયરની લગ્ન સમારોહના સમગ્ર કાર્યક્રમ અંગે વિગતો આપી હતી. કોઈપણ ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ વિના વિધવા બહેનોની દીકરીઓને પરણાવવામાં આવે છે.
કરિયાવર તો અમે આપીએ છીએ પરંતુ લગ્ન પછી પણ અમે દીકરી અને જમાઈની કાળજી લઈએ છીએ. આ દીકરીઓના પિતા તરીકેની શક્ય એવી તમામ જવાબદારી લગ્ન દરમિયાન અને લગ્ન બાદ પણ અમે આખા પી.પી. સવાણી પરિવાર દ્વારા નિભાવાય છે.
સમગ્ર વ્યવસ્થાના સંચાલન માટે ૩૧ જેટલી સમિતિ બનાવી છે અને એની જવાબદારી સોંપવામાં આવી છે. મંડપ, ભોજન, પાર્કિંગ જેવા મોટા કામોની સાથે જ દીપ પ્રાગટ્ય કોણ કરાવશે કે મહેમાનને કોણ બેસાડશે ત્યાં સુધીનું આયોજન છે. સમગ્ર વિધવા બહેનોના પરિવારની આરોગ્યની જવાબદારી પણ પી.પી. સવાણી પરિવાર ઉપાડે છે.
પી.પી. સવાણી પરિવાર સામાજિક, શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રે અનેકવિધ સામાજિક કાર્યો કરતા હોઈ છે. પિતા ગુમાવનાર સુરતના ૮૬૦૦ થી વધુ પરિવારના પાલક પિતા તરીકેની જવાબદારી નિભાવે છે.