આલ્કોહોલિક સિરપ બનાવતી ફેકટરી વડોદરાથી ઝડપાઈ
વડોદરા, વડોદરા નજીક આવેલા સાંકરદા ખાતે ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાંથી આયુર્વેદિક સિરપની આડમાં શંકાસ્પદ આલ્કોહોલિક સિરપ બનાવતી ફેકટરીની પીસીબીની ટીમે પદાફાર્શ કર્યો છે. પીસીબીની ટીમે દરોડા પાડીને ફેકટરીમાંથી મોટા પ્રમાણમાં મુદ્દામાલ ઝડપી પાડયો છે. નકલી સેનેટાઈઝર કેસમાં ચર્ચામાં આવેલા નીતિન કોટવાણની જ આ કૌભાંડમાં સંડોવણી હોવાનું માનવામાં આવે છે.
વડોદરાના સાંકરદા ખાતે આવેલા દુર્ગા ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આયુર્વેદિક સિરપની આડમાં શંકાસ્પદ આલ્કોહોલિક સિરપ બનાવતી ફેકટરી પર પીસીબીની ટીમે દરોડા પાડયા હતા. પીસીબીએ સ્થળ પરથી સિરપની બોટલો સહિત આલ્કોહોલિક સિરપ બનાવવાના ઉપકરણો મળી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે.
જયારે આ મામલે અગાઉ નકલી સેનેટાઈઝરના કેસમાં પકડાયેલ નીતિન કોટવાણીનું નામ પીસીબીના શંકાના દાયરામાં આવી રહ્યું છે. આ મામલે પીસીબી પી.આઈ. જે.જે. પટેલના જણાવ્યા અનુસાર, સાંકરદા ખાતે આવેલ દુર્ગા ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આયુર્વેદિક સિરપની આડમાં આલ્કોહોલિક સિરપ બનાવે છે
જે બાતમીના આધારે પીસીબીએ દરોડા પાડયા હતા. આ દરોડા દરમિયાન સ્થળ પરથી આલ્કોહોલની ગંધ આવી રહી હતી. તમામ સિરપની બોટલ પર લખવામાં આવ્યું હતું કે આ આયુર્વેદિક સિરપ છે. આ સિરપ બનાવવાનો માલસામાન ચકાસતા તે અલગ-અલગ કેમીકલ હોવાનું જાણવા મળ્યું હતું.
જેથી એફએસએલની ટીમને સ્થળ પર બોલાવીને તપાસ દરમિયાન તે કેમીકલ આલ્કોહોલ હોવાનું સામે આવ્યું હતું ત્યારબાદ ફેકટરી અંગે તપાસ કરતા આ ફેકટરી એક મહિનાથી ભાડે રાખી હોવાનું ખુલ્યું હતું.