વાયુસેનાના લડાકુ વિમાન મિરાજ-૨૦૦૦નુ ટાયર ચોરાતા હડકંપ
લખનૌ, લખનૌમાં ચોરીની એક ઘટનાએ આખા તંત્રને દોડતુ કરી દીધુ છે.લખનૌમાં ટ્રાફિક જામમાં ઉભેલી ટ્રકમાંથી ચોરો ભારતીય વાયુસેનાના ફાઈટર જેટ મિરાજ-૨૦૦૦નુ ટાયર ચોરી ગયા છે.
મળતી વિગતો પ્રમાણે લખનૌના એરફોર્સ સ્ટેશન ખાતેથી મિરાજ-૨૦૦૦ના પાંચ ટાયર જાેધપુર એરબેઝ મોકલવામાં આવી રહ્યા હતા.૨૭ નવેમ્બરની રાતે જે ટ્રકમાં ટાયર લઈ જવાઈ રહ્યા હતા તે ટ્રક ટ્રાફિક જામમાં ફસાઈ હતી.આ દરમિયાન કાળા રંગની સ્કોર્પિયોમાંથી ઉતરેલા બે લોકો ટ્રકની પાછળની રસ્સી કાપીને અંદરથી એક ટાયર ચોરી ગયા હતા.
ટ્રકના ડ્રાઈવરે પોલીસને કહ્યુ હતુ કે, ટ્રાફિક જામના કારણે હું ચોરોને પકડી શક્યો નહોતો.દરમિયાન આ ઘટનાએ હડકંપ મચાવી દીધો છે.પોલીસની સાથે સાથે એરફોર્સ સ્ટેશનની એક ટીમ પણ સીસીટીવી ચેક કરી રહી છે.એરફોર્સની એક ટીમ ડ્રાઈવરની પણ પૂછપરછ કરી રહી છે.મિરાજના ટાયર બીજા કોઈ વાહનમાં વાપરી શકાય તેવા હોતા નથી.તેના કારણે ચોરીની આ ઘટના વધારે શંકાસ્પદ બની છે.HS