Western Times News

Gujarati News

વડોદરાના કલેક્ટરે દિવ્યાંગજનને જાતે કેલિપર્સ પહેરાવી પા….પા પગલી કરાવી !

દિવ્યાંગ પુનર્વસન કેન્દ્ર દ્વારા વિશ્વ દિવ્યાંગ દિન નિમિત્તે સાધનો આપી દિવ્યાંગજનોએ નવી રાહ અને આશા અપાઇ

(માહિતી) વડોદરા , જિલ્લા વહીવટી તંત્ર દિવ્યાંગો પ્રત્યે કેટલો લગાવ ધરાવે છે, એ બાબતનું આજે એક અનુઠું ઉદાહરણ જાેવા મળ્યું હતું. જિલ્લા દિવ્યાંગ પુનર્વસન કેન્દ્ર દ્વારા યોજાયેલા એક કાર્યક્રમમાં ઉપસ્થિત કલેક્ટરશ્રી આર. બી. બારડે દિવ્યાંગોને સાધન સહાય વિતરણ કરવાને બદલે સીધા તેમની પાસે જઇ કેલિપર્સ પહેરાવ્યા હતા.

આટલું જ નહીં ? આ કેલિપર્સ યોગ્ય રીતે બન્યા છે કે નહીં ? તેને પહેરવામાં કોઇ તકલીફ તો પડતી નહીં ? એ બાબત સુનિશ્ચિત કરી હતી.

વિશ્વ દિવ્યાંગ દિન નિમિત્તે અહીં એસએસજી હોસ્પિટલમાં દિવ્યાંગોને સાધન સહાય વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળના દિવ્યાંગ પુનર્વસન કેન્દ્ર દ્વારા યોજાયેલા કેમ્પમાં ૨૫ દિવ્યાંગોને તેમને જરૂરી હોઇ એવા સાધનો આપવામાં આવ્યા હતા.

દિવ્યાંગ પુનર્વસન કેન્દ્ર દ્વારા આ સાધનો આપવામાં ટેક્નિકલ ચોક્કસાઇ દાખવવામાં આવે છે. સિવિલ હોસ્પિટલના રેફરન્સ આવતા દિવ્યાંગતાના કેસોમાં દર્દીના અંગને અનુરૂપ અને અનુકુળ સાધન બને એ માટે માપસાઇઝ લઇ આકલન કરીને આ સાધનો બનાવવામાં આવે છે. બાદમાં દર્દીઓને આપવામાં આવે છે. આ કેન્દ્ર દ્વારા પ્રતિ વર્ષ આઠ હજાર જેટલા સાધનો આપવામાં આવે છે.

આજના કાર્યક્રમમાં પ્રેમકુમાર દિલ્લીવાળા નામક દિવ્યાંગજનનો કિસ્સો રસપ્રદ છે. તેમને પગમાં કોઇ કારણસર ગેંગરીન થયું. સામાન્ય રીતે અસામાન્ય ડાયાબિટીસ ધરાવતા વ્યક્તિને ગેંગરીન થવાની શક્યતા વધુ રહે છે. પણ, પ્રેમકુમારને મધુપ્રમેહ પણ નથી અને આમ છતા ગેંગરીન થતાં જમણો પગ ગોઠણના નીચેના ભાગથી કપાવવો પડ્યો.

તેઓ નવજીવન પેઇન્ટસમાં નોકરી કરે છે. તેમની કાયમી વિકલાંગતા અને આર્થિક જરૂરિયાતને ધ્યાને રાખીને કંપનીના સંચાલકોએ નોકરી શરૂ રાખવાનું કહ્યું. પ્રેમકુમારને અનુકુળ પડે એવું ડેસ્કનું કામ આપવાની તત્પરતા કંપનીએ દર્શાવી. દિવ્યાંગો પ્રત્યે આવા દ્રષ્ટિકોણની જરૂરત છે. આજે કલેક્ટરશ્રી આર. બી. બારડે જાતે તેમને કેલિપર્સ પહેરાવ્યા. આજ જ છે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સુગમ્ય ભારત અભિયાનનું પરિણામ !

બીજા એક કિસ્સામાં ૬૨ વર્ષના શ્રી મહેન્દ્રભાઇ બાબુભાઇ સોલંકી એકાદ વર્ષ પહેલા પોતાની ડ્રાઇવિંગની નોકરી દરમિયાન વાહનનું ટાયર બદલતા હતા અને એમાં હાથમાં આંચકો આવ્યો. આંગળી સમેત પહોંચો ઓટો પડી ગયો. એસએસજીમાં તપાસ કરાવી અને બાદ હાથ કપાવવો પડ્યો. હવે, તેને કૃત્રિમ હાથ બેસાડવામાં આવ્યો છે. તેમને આશા છે કે, કૃત્રિમ હાથ મળતા સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી સરળતાથી મળી જશે.

કલેક્ટરશ્રીએ દિવ્યાંગોજનોને મતાધિકારનો ઉપયોગ કરી આગામી ચૂંટણીના મહાપર્વમાં જનજન સાથે સામેલ થવા અપીલ કરી હતી. ચૂંટણી પંચ દ્વારા મતદાન કરવા જવા માટે દિવ્યાંગજનોને કરી આપવામાં આવતી સુવિધાની માહિતી પણ આપી હતી. આ વેળાએ સિવિલ હોસ્પિટલના તબીબી અધીક્ષક ડો. ઐયર તથા ડો. માથુર ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.