પોલીસના ગ્રેડ- પે મુદ્દે ઉશ્કેરણીજનક પોસ્ટ કરનાર સુરતના PSI સામે ગુનો દાખલ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/Western-3dlogo1-1024x591.jpg)
પીએસઆઈ આર.આર. વસાવાના ફેસબુક પર અનેક પોસ્ટ વાંધાજનક
સુરત, સુરત શહેરમાં થોડા દિવસ અગાઉ પોલીસની પરેડ મોકુફ રહી હતી. આ પરેડ મોકુફ રહ્યા બાદ શહેર પોલીસ કંટ્રોલમાં ફરજ બજાવતા પીએસઆઈ આર.આર. વસાવાએ સોશિયલ મીડિયા ફેસબુક પર વાંધાજનક પોસ્ટ મુકી હતી. આ ઉપરાંત તેણે અન્ય રાજયોની સરખામણીમાં ઓછો પગાર મળી રહ્યા હોવાનો મુદ્દો ઉઠાવી ફેસબુક પર પોસ્ટ મુકી હતી. જેથી આખરે આ વાંધાજનક પોસ્ટ બાબતે ઉચ્ચ પોલીસ અધિકારીઓને ધ્યાને આવતા ગતરોજ મદદનીશ પોલીસ કમિશનરે પીએસઆઈ વસાવા સામે ગુનો નોંધાવ્યો હતો.
પોલીસ પંટ્રોલ તથા પોલીસ મુખ્ય મથકના મદદનીશ પોલીસ કમિશનર આઈ.એન.પરમારે પોલીસ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા પીએસઆઈ રતિલાલ. આર. વસાવા સામે ફરિયાદ નોંધાવી હતી.
જેમાં જણાવ્યું હતું કે પીએસઆઈ રતિલાલ વસાવાએ ગત તા.૧૦ ઓગસ્ટના રોજ ઈન્ટરનેટના માધ્યમથી સોશ્યલ મીડીયામાં પોસ્ટ કરી હતી. પોલીસના ગ્રેડ-પે મામલે ઉશ્કેરણીજનક પોસ્ટ ઉપરાંત સુરત શહેરમાં પોલીસ પરેડ કાર્યક્રમ મોકુફ રહ્યો તે બાબતે પણ ખુબ વાંધાજનક પોસ્ટ મુકતા આખરે પોલીસ ખાતામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની છબી ખરડાઈ હતી.
જેમાંથી પોલીસ દળના લોકરક્ષકથી પીએસઆઈ સુધીના નાના કર્મચારી તથા તેમના પરિવારમાં ભારતમાં કાયદાથી સ્થાપિત સરકાર તથા સરકારના ઉચ્ચ અધિકારીઓ વિરુધ્ધ બેદીલી ફેલાય તેવા ઉશ્કેરણીજનક ઉશ્કેરાટ અને ગેરસમજ પેદા થાય અને તે થકી કોઈ જાહેર સુલેહ શાંતી વિરુધ્ધનો ગુનો કરી બેસે તેવી વાંધાજનક પોસ્ટ મુકી સોશીયલ મીડીયાના માધ્યમથી વાયરલ કરી હતી.
મદદનીશ પોલીસ કમિશનર આઈ.એન. પરમારની ફરિયાદ લઈ ઉમરા પોલીસે પીએસઆઈ વસાવા સામે ગુનો દાખલ કરી તપાસહાથ ધરી છે.