૬૭ વર્ષીય વરિષ્ઠ ટીવી પત્રકાર વિનોદ દુઆનું નિધન

નવી દિલ્હી, વરિષ્ઠ ટીવી પત્રકાર વિનોદ દુઆનું નિધન થઈ ગયું છે. રવિવારે વિનોદ દુઆના અંતિમ સંસ્કાર થશે. તેઓ ૬૭ વર્ષના હતા. આ વર્ષની શરૂઆતમાં વિનોદ દુઆ કોરોના વાયરસથી સંક્રમિત થતાં તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમ છતાં, વિનોદ દુઆની સ્થિતિમાં કોઈ સુધારો થયો નહીં. વિનોદ દુઆ હિન્દી પત્રકારત્વનો જાણીતો ચહેરો હતા.
દૂરદર્શન અને એનડીટીવી ઈન્ડિયા સાથે કામ કરી ચૂકેલા પત્રકાર વિનોદ દુઆનો જન્મ ૧૧ માર્ચ, ૧૯૫૪ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. તેઓને વર્ષ ૨૦૦૮માં ભારત સરકાર તરફથી પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
વિનોદ દુઆએ અંગ્રેજી સાહિત્યમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી હતી. વિનોદ દુઆ અને તેમના પત્ની ડૉક્ટર પદ્માવતીને આ વર્ષે એપ્રિલમાં કોરોના સંક્રમિત થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે વિનોદ દુઆના પત્નીનું કોરોનાના કારણે નિધન થયું હતું. ત્યારબાદથી વિનોદ દુઆની સ્થિતિમાં કોઈ ખાસ સુધારો થયો નહીં અને તેઓને ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
વિનોદ દુઆની દીકરી મલ્લિકા દુઆએ લખ્યું કે પિતા વિનોદ દુઆનું નિધન થયું છે. તેઓ હંમેશાં નીડર રહ્યા હતા. રેફ્યુજી કોલોનીથી દિલ્હી સુધીના ૪૨ વર્ષના પત્રકારત્વ સમયગાળા દરમિયાન તેમણે ઊંચાઈના શિખરે સફળતા પ્રાપ્ત કરી. તેઓ હંમેશાં સત્યની સાથે રહ્યા અને હવે તેમની પત્ની સાથે પહોંચી ગયા છે.
સ્વર્ગમાં પણ કદાચ વિનોદ દુઆ અને તેમના પત્ની એક સાથે ગીતો ગાતા, જમવાનું બનાવતા, યાત્રા કરતા એકબીજાનો સહારો બને. પ્રખ્યાત કોમેડિયન અને એક્ટર મલ્લિકા દુઆએ જણાવ્યું કે રવિવારે પિતા વિનોદ દુઆના અંતિમ સંસ્કાર થશે. વિનોદ દુઆના જાણીતા ટીવી શૉમાં ઝાયકા ઈન્ડિયા કા, ચુનાવ ચુનોતી, તસવીર-એ-હિન્દ વગેરેનો સમાવેશ થાય છે.
વિનોદ દુઆને પ્રતિષ્ઠિત રામનાથ ગોએન્કા એક્સલન્સ ઇન જર્નાલિઝમ એવોર્ડ એનાયત થયો હતો. વર્ષ ૨૦૦૮માં તેઓને કેન્દ્ર સરકારે પત્રકારત્વ માટે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા હતા. મુંબઈ પ્રેસ ક્લબે વર્ષ ૨૦૧૭માં તેઓને રેડ ઇન્ક એવોર્ડ આપ્યો હતો. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેઓને આ સન્માન આપ્યું હતું.SSS