આબુમાં ઠંડીનો પારો ગગડીને પાંચ ડીગ્રી પર પહોંચી ગયો
અમીરગઢ, ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. આ વચ્ચે રાજસ્થાનના હિલ સ્ટેશન અને ગુજરાતીઓના ફેવરિટ તેવા માઉન્ટ આબુમાં પણ કડકડતી ઠંડી પડી રહી છે. શિયાળાની શરૂઆત સાથે જ માઉન્ટ આબુના તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે.
છેલ્લા બે દિવસથી છવાયેલા વાદળછાયા વાતાવરણના કારણે ઠંડીનું જાેર વધ્યું હતું અને એક દિવસ પહેલા તાપમાનનો પારો ગગડીને પાંચ ડિગ્રીએ પહોંચી ગયો હતો. શિયાળામાં પણ માઉન્ટ આબુમાં પ્રવાસીઓનો ધસારો જાેવા મળી રહ્યો છે.
ઠંડીમાં અહીં ફરવા આવેલા લોકો પણ ઠુંઠવાયા હતા. જાે કે, તેમણે આવી કાતિલ ઠંડી વચ્ચે નકી લેકમાં બોટિંગ કરવા સહિતની મજા પણ માણી હતી. બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા માઉન્ટ આબુમાં પર્યટકોનો ભારે ધસારો જાેવા મળી રહ્યો છે.
ગત શનિવાર-રવિવારના દિવસે તો માત્ર નકી લેક જ નહીં પરંતુ ગુરુશિખર, દેલવાડા સહિતની જગ્યાઓ પર પણ એટલી ભીડ હતી. પર્યટકોએ ઠંડીની વચ્ચે વહેલી સવારે અને મોડી રાતે તાપણું કરતાં જાેવા મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, માઉન્ટ આબુ એ ગુજરાતીનું પ્રિય સ્થળ છે. મોટાભાગના ગુજરાતીઓ કોઈ તહેવારની રજા પર અથવા વીકએન્ડ પર પરિવાર સાથે અહીંયા પહોંચી જતા હોય છે. ગુજરાતની વાત કરીએ તો, હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધવાનો છે. ઉત્તરપૂર્વીય દિશામાંથી આવતા ઠંડા પવનના કારણે ઠંડી વધશે.
સમગ્ર રાજ્યમાં તાપમાનમાં ૨થી ૩ ડિગ્રી જેટલો ઘટાડો થશે. અત્યારે નલિયામાં સૌથી વધારે ઠંડી પડી રહી છે, જાે કે અમદાવાદમાં પણ ઠંડી વધવાની છે. ત્રણ દિવસ સુધી ઠંડીનો ચમકારો વર્તાશે. ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જે બાદ જબરદસ્ત ઠંડી પડી હતી. ૧૦ ડિસેમ્બર બાદ ફરી આવી જ ઠંડી પડશે તેવી હવામાન વિભાગની આગાહી છે.SSS