હજી સુધી કોવિડથી મોતને ભેટનારાઓના પરિવારોને વળતર મળ્યું ન હોવાની બાબત હાસ્યાસ્પદ છેઃ સુપ્રીમ

નવીદિલ્હી, કોવિડથી થયેલા મોત પર રૂા. ૫૦ હજારનું વળતર ન આપવાના મામલે સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી કરતાં મહારાષ્ટ્ર સરકારને કહ્યું કે અત્યાર સુધી કોવિડથી માર્યા ગયેલા લોકોના કોઇ પણ પરિજનને વળતર મળ્યું નથી. આ હાસ્યાસ્પદ છે, તેને સ્વીકાર કરી ન શકાય. સરકારે તરત જ વળતરની ચૂકવણી કરવી જાેઇએ.
જસ્ટિસ એમ.આર. શાહે મહારાષ્ટ્ર સરકારને ચેતવણી આપતા કહ્યું કે અમે મહારાષ્ટ્ર સરકાર વિરૂદ્ઘ સખતી કરીશું, તેના પર મહારાષ્ટ્ર સરકારના વકીલ સચિન પાટિલેે કહ્યું કે અમે ટૂંક સમયમાં જ કોર્ટના આદેશની અનુપાલના પર એક સોગંદનામુ દાખલ કરીશું. મહારાષ્ટ્ર સરકારથી નારાજ જસ્ટિસ શાહેે કહ્યું કે તમે તેને પોતાના ખિસ્સામાં જ રાખો અને જઇને પોતાના સીએમને આપી દો.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે દરેક રાજ્યનો ઉધડો લઇ નાખ્યો તો રાજસ્થાન સરકારના વલણ પર પણ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે તમે તમારા પ્રશાસનને માનવીય બનાવો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોરોના કાળમાં અદાલતોએ કામ કરવા માટે રાજ્ય સરકારોને મજબૂર કરી ત્યારે સરકારો જાગી અને ઓનલાઇન પોર્ટલ બનાવ્યા.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં કોવિડ કાળમાં ૧ લાખથી વધારે મોત થયા, પરંતુ માત્ર ૩૭૦૦૦ અરજીઓ મળી. તેમાંથી અત્યાર સુધી એક પણ પીડિતને વળતર આપવામાં આવ્યું નથી. લગભગ આવી જ સ્થિતિ પશ્ચિમ બંગાળની છે, અહીં ૧૯ હજારથી વધારે લોકોએ કોરોના કાળમાં પોતાના જીવ ગુમાવ્યા છે. પરંતુ વળતર માટે માત્ર ૪૬૭ અરજીઓ મળી જેમાં પ્રશાસને માત્ર ૧૧૦ લોકોને જ વળતર આપ્યું છે. કોર્ટે તમામ રાજ્યો પાસેથી જવાબ માગ્યા છે.HS