વલ્લ્ભ વિદ્યાનગર ખાતે પં.ઓમકારનાથ ઠાકુર શાસ્ત્રીય સંગીત સમારોહ યોજાયો

(પ્રતિનિધિ) આણંદ, ચારૂતર વિદ્યા મંડળ સંચાલિત રમા મનુભાઈ દેસાઈ કોલેજ ઓફ મ્યુઝીક એન્ડ ડાન્સ, વલ્લભ વિદ્યાનગર, ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર અને જન કલ્યાણ વિકાસ ટ્રસ્ટ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે પં. ઓમકાર ઠાકુર શાસ્ત્રીય સંગીત સમારોહનું
તા.ર૭.૧૧.ર૦ર૧ને શનિવારના રોજ કોલેજના આચાર્ય શ્રી ધીરુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ખુબ સુંદર આયોજન થયું. જેમાં શાસ્ત્રીય સંગીતના ગાયક કલાકારો અને વાદન કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. પં. વિકાસ પરીખે (સપ્તક અમદાવાદ) મારવા રાગ, સુ.શ્રી રાધિકા પરીખે મધુવંતી અને સારંગી વાદનમાં સારંગી વાદક શ્રી વનરાજ શાસ્ત્રીએ ભીમપલાસી રાગ પ્રસ્તુત કર્યો હતો. તબલામાં શ્રી પ્રવીણ સિંદે અને હાર્મોનિયમમાં માતંગ પરીખે સંગત આપી હતી.
આ કાર્યક્રમમાં જનકલ્યાણ વિકાસ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી ડો. પ્રદીપ આઝાદ, શ્રી બ્રીજશભાઈ જાેષી, સંગીત વિદ્યાલયના વિપીનચંદ્ર પંડ્યા, જશવંત રાવલ અને ટ્રસ્ટી ગણ સ્વર નિનાદના નીનાબેન દોશી તથા ડો. નિકુંજભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા. કોલેજના વિદ્યાર્થીઓ, અધ્યાપક ગણ તથા આણંદ- વિદ્યાનગર, પેટલાદના સંગીત ચાહકોએ ત્રણ કલાક સુધી સંગીત માણ્યું.
આરંભમાં કોલેજના ગાયન વિભાગના વિદ્યાર્થીઓએ શ્રી તસવ્વુર મલેકના માર્ગદર્શનમાં સુંદર પ્રાર્થના રજુ કરી.
કોલેજના આચાર્યશ્રી અને અધ્યાપકો દ્વારા કલાકારો તથા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું. આવા દિગ્ગજ કલાકારોની પ્રસ્તુતિથી વિદ્યાર્થીઓને ઘણું શીખવા મળ્યું તે માટે એકેડેમીના, આર્થિક સહયોગ માટે સરકારશ્રીનો આભાર વ્યકત કર્યો. સમારંભનું સંચાલન તુલસી જાેષી અને ડો. પ્રદીપભાઈ આઝાદે કર્યું.*