એવું તે શું થયું કે, ઇંડાં ખાઇને નિકળેલા યુવકને છરીના ઘા ઝીંકી રહેંસી નંખાયો
રાજકોટ, રાજકોટમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે જેમાં ઈંડા ખાવા માટે છરી બતાવી રૂપિયાની માંગણી કરતા યુવકે બોલાચાલી કરી જેથી આરોપીએ તેના પેટમાં છરીના ઘા ઝીંકી ગંભીર ઇજા પહોંચાડી યુવકની જાહેરમાં હત્યા નિપજાવવામાં આવી હતી. જે ઘટનાની જાણ થતા ભક્તિનગર પોલીસે મૃતકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી હત્યારાઓની શોધખોળ હાથ ધરી છે.?
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના કોઠારીયા મેઈન રોડ પર હુડકો ક્વાર્ટર નજીક ગઈકાલે રાત્રીના કાળુ ભાદરકા ઈંડાની લારીએ ઈંડા ખાઇ પરત ફરતો હતો ત્યાં કોઠારીયા ચોકડી નજીક રહેતો કાળુ ગઢવી ઘસી આવ્યો હતો અને કાળુ ભાદરકા પાસે ઈંડા ખાવા રૂપિયાની માંગ કરી હતી જે ન આપતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી
જેમાં કાળું ગઢવીએ કાળુ ભાદરકાને પેટમાં ડાબી તરફ છરી નો ઘા ઝીંકી ગંભીર ઇજા પહોંચાડી હતી.જે બાદ હોસ્પિટલ ખસેડવામાં આવતા તેને હાજર ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવતા બનાવ હત્યામાં પલટાયો હતો. જેની ભક્તિનગર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આરોપી કાળું ગઢવી સામે આઇપીસી કલમ ૩૦૨ , ૩૪૨ તથા જીપી એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ?
આ મુદ્દે મૃતકના પત્ની રંભાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,પોતે ઘરકામ કરે છે અને પતિ કાળુ ભાદરકા ભંગારનો ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો અને બે ભાઈમાં નાનો હતો અમારે સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.ગઈકાલ મારા પતિ ઘર નજીક એક ઈંડાની લારીએ નાસ્તો કરી એક્ટિવા પરત ફરતા હતા ત્યારે અમારા જ વિસ્તારમાં રહેતો કાળુ ગઢવી નામના શખ્સે મારા પતિની એક્ટિવા રોકી કહ્યું કે મારે ઈંડા ખાવા છે
તું મને પૈસા આપ જેથી મારા પતિએ પૈસા આપવાનો ઇન્કાર કરતા તેમની સાથે બોલાચાલી કરી મારા પતિ કઇપણ સમજે તે પહેલાં જ કાળુ ગઢવી પોતાના પાસે રહેલી છરી વડે હુમલો કરી મારા પતિનું મોત નિપજવ્યું હતું. હાલ ભક્તિનગર પોલીસે મૃતક કાળું ભાદરકા (ઉ.વ. ૪૨) ના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મૃતક કાળુ ભાદરકાના પત્નિ રંભાબેન ભાદરકાની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપી હત્યારા કાળુ ગઢવીની શોધખોળ હાથ ધરી છે.