મંદિરનો રસ્તો બંધ કરાતા કેટરીના અને વિકી કૌશલ સામે ફરિયાદ

મુંબઈ, કેટરીના કૈફ અને વિકી કૌશલ ૯મી ડિસેમ્બરે રાજસ્થાનના ભવ્ય મહેલમાં શાહી લગ્ન કરવાના છે. ૭ અને ૮ ડિસેમ્બર, એમ બે દિવસ પ્રી-વેડિંગ ફંક્શન યોજાશે. પ્રી-વેડિંગ ફંક્શનના એક દિવસ પહેલા એટલે કે સોમવારે જ કેટરીના અને વિકીના પરિવારના સભ્યો મુંબઈથી ફ્લાઈટ પકડીને લગ્નસ્થળ પર પહોંચી ગયા હતા.
કેટરીના કૈફ અને વિકી કૌશલના પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થાય તે પહેલા તેઓ મુશ્કેલીમાં મૂકાયા છે. તેમની સામે ફરિયાદ થઈ છે. રાજસ્થાનના વકીલ નૈત્રબિંદ સિંહ જાદૌને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી સમક્ષ ફરિયાદ નોંધાવી છે. વાત એમ છે કે, કેટરીના અને વિકીના લગ્ન જ્યાં થવા થઈ રહ્યા છે તે સવાઈ માધોપુરના ચોથ કા બરવાડામાં છે.
અહીંયા જ પ્રસિદ્ધ ચૌથ માતાનું મંદિર છે. કેટરીના અને વિકીના લગ્નના પગલે મંદિર તરફ જતો રસ્તો ૬થી ૧૨ ડિસેમ્બર સુધી બંધ કરી દેવાયો છે અને તેના કારણે જ ફરિયાદ કપલ સામે થઈ છે. રિપોર્ટ્સ પ્રમાણે, માત્ર કેટરીના કૈફ અને વિકી કૌશલ સામે જ નહીં પરંતુ,
લગ્નસ્થળ સિક્સ સેન્સ ફોર્ટ બરવાડાના મેનેજર તેમજ જિલ્લા કલેક્ટર સામે પણ ફરિયાદ થઈ છે. ફરિયાદ પ્રમાણે, હોટેલ સિક્સ સેન્સ મંદિરે જતાં માર્ગમાં આવે છે. જિલ્લા કલેક્ટરના નિરીક્ષણ હેઠળ હોટેલ મેનેજરે મંદિર તરફ જતાં માર્ગને ૬થી ૧૨ ડિસેમ્બર સુધી બંધ કરી દીધો છે.
લગ્નના કારણે હોટેલ સિક્સ સેન્સથી મંદિર જતો રસ્તો છ દિવસ સુધી બંધ હોવાથી મંદિર સુધી પહોંચવામાં શ્રદ્ધાળુઓને મુશ્કેલી પડી રહી છે.
વકીલે તેમની ફરિયાદમાં મંદિર તરફ જતા રસ્તાને ખોલવાની વિનંતી કરી હતી. તેમણે કેવી પણ સ્પષ્ટતા કરી હતી કે, તેમને લગ્ન સામે કોઈ વાંધો નથી. તેમણે કહ્યું હતું કે, ચૌથ કા બરવાડા સદીઓ જૂના ચૌથ માતા મંદિરનું ઘર છે.
અહીંયા નિયમિત સેંકડો શ્રદ્ધાળુઓ આવતા હોવાનું પણ તેમણે કહ્યું હતુ. રાજસ્થાનમાં રોકાણ દરમિયાન, કેટરીના કૈફ અને વિકી કૌશલ ૧૫૦૦ ફૂટની ઊંચાઈ પર આવેલા ત્રિનેત્ર ગણેશ મંદિરના દર્શનાર્થે જાય તેવી પણ શક્યતા છે. કેટરીના અને વિકી પરિવાર તેમજ નજીકના મિત્રો સાથે ત્યાં પહોંચી ગયા છે અને આજે તેમની સંગીત સેરેમની યોજાવાની છે.