Western Times News

Gujarati News

સરકારી આયુર્વેદ કોલેજ ખાતે આયુષ નિયામકશ્રીની ઉપસ્થિતિમાં યોજાઇ પેઇન મેનેજમેન્ટની તાલીમ

રાજપીપલા: મંગળવાર : ગાંધીનગર આયુષ નિયામકશ્રીની કચેરી દ્વારા તાજેતરમાં રાજપીપલામાં સરકારી આયુર્વેદ કોલેજ ખાતે આયુષ નિયામકશ્રી વૈધ ભાવનાબેન પટેલ, તાલીમ અને સંશોધન આયુષના નાયબ નિયામકશ્રી વૈધ ફાલ્ગુનભાઇ પટેલ, વડોદરા જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી વૈધ સુધીરભાઇ જોશી સહિત અન્ય જિલ્લાના આયુર્વેદ અધિકારીશ્રીઓ તથા દક્ષિણ ગુજરાતના મેડીકલ ઓફિસરની ઉપસ્થિતિમાં એક દિવસીય પેઇન મેનેજમેન્ટની તાલીમ યોજાઇ હતી.

ઉત્તરાખંડથી ખાસ પધારેલ વિષય નિષ્ણાંત વૈધ નવીનભાઇ જોશીએ તાલીમમાં વિષય મર્મ ચિકિત્સા અંગે જણાવ્યું હતું કે, અંતર્ગત દરદીઓને  શરીરના અમુક રોગો મુજબ ચોક્કસ જગ્યાએ યોગ્ય દબાણથી પ્રેશર આપતા દવા વગર રોગમાંથી મુક્તિ મળી શકે છે. જેમાં અમુક દરદીઓ પર પ્રેક્ટીકલ સેશન પણ રાખવામાં આવ્યું હતું.

રાજ્યના આયુષ નિયામકશ્રી વૈધ ભાવનાબેન પટેલે રાજપીપલામાં સરકારી આયુર્વેદ હોસ્પિટલની પણ મુલાકાત લઇને આયુર્વેદ ચિકિત્સા પધ્ધિતિથી મળી રહેલી સારવારની વિગતોથી વાકેફ થઇ નજીકના ગામના લોકોને પણ આયુર્વેદનો લાભ મળી રહે તે માટે કેમ્પોના આયોજન થકી વ્યાપક પ્રસાર-પ્રચારની કામગીરી હાથ ધરવા સૂચના આપી હતી. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના જુદા જુદા ૧૦ જેટલાં મોટા સ્થળોએ આયુષ વેલનેસ સેન્ટર સ્થાપનાની વિચારણાને અનુલક્ષીને તેઓશ્રીએ  જિલ્લાના ગોરા ખાતેના આયુર્વેદ દવાખાનાની પણ મુલાકાત લીધી હતી. ઉક્ત મુલાકાત દરમિયાન નર્મદાના જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડૉ. નેહાબેન પટેલ પણ તેમની સાથે આ મુલાકાતમાં જોડાયાં હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.