રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા UPI પેમેન્ટ એપ લોન્ચ કરશે

શક્તિકાંતા દાસની જાહેરાત: ડિઝીટલ પેમેન્ટ ચાર્જ અંગે આરબીઆઈ એક ચર્ચાપત્ર જાહેર કરશે
મુંબઈ, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ આજે જાહેર કરેલી નવી ધિરાણનીતિની સાથોસાથ દેશમાં હવે ડિઝીટલ વ્યવહાર વધારવા માટે પણ આરબીઆઈ કામ કરશે તે નિશ્ચિત છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંતા દાસે આજે પોલીસી જાહેર કરતા સમયે જણાવ્યું હતું કે રિઝર્વ બેન્ક ખુદ એક યુપીઆઈ આધારિત પેમેન્ટ સીસ્ટમ લાવશે અને તે મોબાઈલ ફોન ધારકો માટે ઉપયોગી હશે.
આરબીઆઈ એ આ ઉપરાંત યુપીઆઈ મારફત આઈપીઓ અને ગવર્નમેન્ટ સીકયુરીટીમાં રોકાણની મર્યાદા વધારીને રૂા.5 લાખ કરી છે જેના કારણે નાના રોકાણકારો માટે તક વધશે તે નિશ્ર્ચિત છે.
રિઝર્વ બેન્ક દ્વારા આજે કરાયેલી જાહેરાત મુજબ આગામી સમયમાં કોઈપણ વ્યક્તિ યુપીઆઈ મારફત ડાયરેકટ પેમેન્ટ કરી શકશે અને આ વ્યવસ્થા ફીચર ફોનમાં હશે. હાલ યુપીઆઈ મારફત કોઈ વ્યક્તિ ડાયરેકટ પેમેન્ટ કરી શકતો નથી પરંતુ કોઈને કોઈ એપની મદદ લેવી પડે છે.
રિટેલ ડાયરેકટ સ્કીમ કે જે હાલમાં જ રિઝર્વ બેન્કે લોન્ચ કરી છે તેમાં વ્યવહારની મર્યાદા રૂા.2 લાખથી વધારીને રૂા.5 લાખ કરવામાં આવી છે. રિઝર્વ બેન્કે આ ઉપરાંત દેશમાં કાર્ડ પેમેન્ટ વોલેટ અને યુપીઆઈ મારફત જે ડીઝીટલ પેમેન્ટ થાય છે તેના ચાર્જ અંગે એક ચર્ચાપત્ર પણ જાહેર કરશે જેના પર અભિપ્રાય આવ્યા બાદ આ ચાર્જ અંગે આખરી નિર્ણય લેવાશે. શ્રી શક્તિકાંતા દાસે જણાવ્યું હતું કે ડીઝીટલ પેમેન્ટને વધુને વધુ સરળ બનાવવા માટે સરકાર આગળ વધી રહી છે.