ખેડૂતોના આંદોલનને સંયુક્ત કિસાન મોરચાએ સ્થગિત કરવાનો નિર્ણય લીધો

નવીદિલ્હી, નવા કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને સંયુક્ત કિસાન મોરચા (એસકેએમ)એ સ્થગિત કરવાનો ર્નિણય લીધો છે. પરંતુ આ સાથે જ તેમણે કહ્યું છે કે આંદોલનનો અંત નથી આવ્યો.
સંયુક્ત કિસાન મોરચાના નેતા ગુરનામ સિંહ ચઢૂનીએ આંદોલનને સ્થગિત કરવાની જાહેરાત કરી અને આ સાથે જ સરકાર સામે પોતાની માગણીઓ રજુ કરી. અત્રે જણાવવાનું કે કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે ખેડૂતો ધરણા છોડીને પોતાના ઘરે પાછા ફરે.
સંયુક્ત કિસાન મોરચાના નેતા ગુરનામ સિંહ ચઢૂનીએ કહ્યું કે અમે આંદોલન સ્થગિત કરી રહ્યા છીએ, ખતમ નથી કરતા. જ્યારે સરકાર બધી વાતો માની લેશે ત્યારે ધરણા ખતમ કરીશું. આ સાથે જ ચઢૂનીએ સરકારને તમામ આંદોલનકારી ખેડૂતો વિરુદ્ધ કેસ પાછા ખેંચવાની પણ માગણી કરી.
અત્રે જણાવવાનું સંયુક્ત કિસાન મોરચાની ૫ સભ્યોવાળી હાઈ પાવર કમિટીએ ઈમરજન્સી બેઠક બોલાવી છે અને હાલ આ બેઠક દિલ્હીમાં ચાલુ છે. આ બેઠકમાં બલબીર રાજેવાલ, ગુરનામ ચઢૂની,યુદ્ધવીર સિંહ, અશોક ધાવલે અને શિવકુમાર કક્કા સામેલ છે. સિંઘુ બોર્ડર પર સંયુક્ત કિસાન મોરચાની બેઠક થશે. ત્યારબાદ આંદોલનને પાછો ખેંચવાનો ર્નિણય લેવાઈ શકે છે.
ત્રણ કૃષિ કાયદા રદ કરવા અને એમએસપી પર કાયદો બનાવવા સહિત અન્ય મુદ્દાઓ પર સમિતિ બનાવવાની જાહેરાત બાદ કેન્દ્રએ પહેલીવાર મંગળવારે સંયુક્ત કિસાન મોરચા પાસે લેખિત પ્રસ્તાવ મોકલ્યો હતો.
જેમાં ખેડૂતોની તમામ માગણીઓ માનવાનો ઉલ્લેખ છે. પરંતુ મોરચના નેતાઓએ તે પ્રસ્તાવનું સ્વાગત કરતા ત્રણ મુખ્ય આપત્તિઓ સાથે સરકારને પાછો મોકલ્યો. ખેડૂતો તરફથી આશા વ્યક્ત કરાઈ છે કે સરકાર તેમની ચિંતાઓ પર સહાનુભૂતિપૂર્વક વિચાર કરીને પોતાની પ્રતિક્રિયા આપે.
નવા કૃષિ કાયદા વિરુદ્ધ છેલ્લા એક વર્ષ કરતા પણ વધુ સમયથી ખેડૂતોનું પ્રદર્શન ચાલી રહ્યું છે અને ખેડૂતો દિલ્હીની સરહદો પર ડટેલા છે. કાયદા રદ કરતા પહેલા સરકારે કાયદામાં ફેરફારની જાહેરાત કરી હતી. તેને લઈને સરકાર અને ખેડૂતો વચ્ચે અનેક રાઉન્ડની વાતચીત થઈ હતી. પરંતુ કોઈ સમાધાન નીકળી શક્યું નહતું.HS