મોંઘવારી, બેરોજગારી, કૃષિ સંકટ બધાની જડ એક જ છે, મોદી સરકારનો અહંકાર: રાહુલ

નવીદિલ્હી, કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ એક વાર ફરીથી મોંઘવારીનો મુદ્દો ઉઠાવતા કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે, મોંઘવારી, બેરોજગારી, કૃષિ સંકટ બધાની જડ એક જ છે, મોદી સરકારનો અહંકાર, મિત્ર-પ્રેમ અને નિષ્ફળતા. રાહુલ ગાંધીએ આગળ જણાવ્યું કે, અન્યાયના વિરુદ્ધ અવાજ ઉઠાવવાની સાથે જ અમે કોંગ્રેસશાસિત રાજ્યોમાં જનતાની સમસ્યાનું નિરાકરણ લાવી રહ્યા છીએ અને જનતાના મનની વાત સાંભળી રહ્યા છીએ.
રાહુલ ગાંધીએ મંગળવારે સંસદમાં ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે લોકસભામાં સરકાર સામે માગણી કરી છે કે, આંદોલન દરમિયાન શહીદ થયેલા ખેડૂતોને વળતર અને પરિવારના સભ્યોને નોકરી મળવી જાેઈએ. સરકારને ઘેરતા તેમણે જણાવ્યું કે તમારી સરકાર જણાવી રહી છે કે, કોઈ ખેડૂત શહીદ નથી થયો અને તમારી પાસે નામ નથી.
તેમણે કિસાન આંદોલન દરમિયાન શહીદ થયેલા ખેડૂતોના નામ લોકસભામા જણાવતા કહ્યું કે, ખેડૂતોનો જે હક છે તે તેમને મળવો જાેઈએ.
આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા પંજાબના ૪૦૦ અને હરિયાણાના ૭૦ ખેડૂતોની યાદી લોકસભાને સોંપીને જણાવ્યું કે, પ્રભાવિત ખેડૂત પરિવારને વળતર અને રોજગારી મળવી જાેઈએ. ખેડૂતના મુદ્દા પર સરકાર તરફથી કોઈ જવાબ ના મળતા વિપક્ષે લોકસભાથી વોક આઉટ કરી લીધું હતું.
કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુ ગોપાલે જણાવ્યું કે, સરકાર પાસે કિસાન આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતોના આંકડા કેમ નથી? પંજાબ સરકારે ૪૦૩ ખેડૂતોના પરિવારને વળતર આપ્યું છે. ૧૦૦થી વધુ ખેડૂતોના પરિવારજનોને નોકરી આપી છે.
જાે પંજાબ સરકાર પાસે યાદી છે તો ભારત સરકાર પાસે કેમ નથી? અમે માગણી કરીએ છીએ કે, ભારત સરકાર કિસાન આંદોલન દરમિયાન જેટલા ખેડૂતોના મૃત્યુ થયા એના આંકડા વેરીફાઈ કરે અને બધાના પરિવારને વળતર આપે.SSS