રોફ જમાવવા પોલીસ લખેલી કાર અને લાકડી સાથે શખ્સ પકડાયો
અમદાવાદ, શહેરમાં કેટલાક શખ્સો રોફ જમાવવા માટે પોતાના વાહન ઉપર ખોટી રીતે પોલીસ લખાવી ફરતા હોવાની ફરિયાદ ઊઠી છે ત્યારે ખોખરાની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ન્યૂ મણિનગરથી રામોલ તરફના રોડ પરથી પોલીસ કર્મચારી ન હવા છતાં પોલીસ લખેલ સાઇનબોર્ડ તેમજ પોલીસ જેવી જ લાકડી સાથે રાખનાર એક કારચાલકને ઝડપી પાડ્યો હતો.
ખોખરા પોલીસ સ્ટેશનના એસએસઆઇ સહિતની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળી હતી. દરમિયાન ખોખરાના હાટકેશ્વર ચાર રસ્તા પાસે એક શખ્સ કાર સાઇડમાં લઇને ઊભો હતો. પોલીસને કાર શંકાસ્પદ લાગતા તેમણે તુરંત જ ત્યાં પહોંચી જઇ તપાસ કરતા કારના આગળના ભાગે પોલીસ લખેલું સાઇનબોર્ડ મૂક્યું હોવાનું જણાયુ હતુ.
પોલીસે આ શખ્સની વધુ પૂછપરછ કરતા તેણે પોતાનું નામ દીપક દેશમુખ (રહે. કર્ણાતી એન્કલેવ, રામોલ) હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસે તેની પાસે આઇકાર્ડની માગણી કરતા તે ગલ્લા-તલ્લા કરવા લાગ્યો હતો. દરમિયાન પોલીસે વધુ પુછપરછ કરતાં તેણે પોલીસ કર્મચારી ન હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસે દીપક વિરૂદ્ધ ગુનો નોંધી કાર તેમજ લાકડી જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે હવે સામાન્ય જનતા સામે ટ્રાફિક નિયમભંગની કાર્યવાહી કરતા પહેલા નિયમભંગ કરતા પોલીસ સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ અથવા તો પી લખેલા ખાનગી વાહન ફેરવતા પોલીસ કર્મચારીને ઝડપી લઇ કડક પગલાં ભરવામાં આવે છે.
આ ઉપરાંત માસ્ક ન પહેરનાર, ડાર્ક ફિલ્મ લગાવેલ ગાડી હોય, ખામીયુક્ત નંબર પ્લેટ હોય કે એચએસઆરપી નંબર પ્લેટ ન હોય તો પોલીસ સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમજ પોલીસ અધિકારી, કર્મચારીઓ માટે પોતાની ફરજ ઉપર આવતા-જતા હોય ત્યારે હેલ્મેટ પહેરવી અને ત્રણ સવારી ન જવુ, ડાર્ક ફિલ્મ લગાવેલી હોય અથવા ખામીયુક્ત નંબર પ્લેટ-એચએસઆરપી નંબર પ્લેટ ન હોય તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.