ભુજમાં સાંખ્ય યોગિનીની કારને અકસ્માત, ૩નાં મોત

કચ્છ, ભુજના માનકૂવા ગામ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. સ્કોર્પિયો કાર અને ટ્રક વચ્ચે ટક્કરમાં ૩ મહિલાના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. મૃતકોમાં બે સાંખ્યયોગિનીનો પણ સમાવેશ થાય છે.
કારમાં ચાર મહિલાઓ સવાર હતી, જેમાં એક મહિલા કાર ડ્રાઈવ કરી રહી હતી. તમામ સાંખ્યયોગિની મહિલાઓ કથા પ્રસંગે ભક્તજનો સાથે હતી, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, કચ્છના સુખપર ગામે સ્વામીનારાયણ મંદિરમાં શાકોત્સવ પ્રસંગનું આયોજન કરવામાં આવ્યુ હતું. ત્યારે ભારાસર ગામની સાંખ્યયોગી અને સત્સંગી મહિલાઓ આ શાકોત્સવમાં હાજરી આપવા નીકળી હતી.
ભારાસર ગામના સાંખ્યયોગી પ્રેમીલાબેન નારણભાઇ વરસાણી (ઉ.વ. ૪૫) અને સત્સંગી મહિલાઓ સવિતાબેન કીર્તિભાઈ હિરાણી (ઉ.વ. ૪૫), શિલુબેન ચંદેશભાઈ વરસાણી (ઉ.વ. ૨૫) અને રસીલાબેન (ઉ.વ. ૫૦) સ્કોર્પિયો કાર લઈને શાકોત્સવ માટે ગયા હતા.
ત્યારે શાકોત્સવથી પરત ફરતા સમયે માનકુવા ગામથી ભુજ તરફ આવતા માર્ગ પર સ્કોર્પિયો કાર ટ્રક સાથે ટકરાઈ હતી. આ ટક્કર એટલી જાેરદાર હતી કે, સ્કોર્પિયો કારનો ભુક્કો બોલાઈ ગયો હતો. તો બીજી તરફ, ટ્રક પણ ડિવાઈડરથી બીજી તરફ નીચે ઉતરી ગઈ હતી. જીવલેણ અકસ્માતમાં ત્રણ મહિલાઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.
અકસ્માતમાં પ્રેમીલાબેન, સવિતાબેન અને શિલુબેનનું મોત નિપજ્યુ છે. તો ગાડી ચલાવનાર રસીલાબેનને ગંભીર ઇજાઓ પહોંચી છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મહિલાઓના મોતથી પટેલ ચોવીસીના ગામો તેમજ સ્વામિનારાયણના સત્સંગીઓ અને અનુયાયીઓમાં ભારે શોકની લાગણી સાથે અરેરાટી ફેલાઈ ગઈ છે.SSS