સર્જિકલ રોબોટની મદદથી સૌપ્રથમ વ્હિપ્પલ સર્જરી ઝાયડસ હોસ્પિટલમાં કરાઈ

ઝાયડસ હોસ્પિટલમાં ડૉક્ટર્સે ગુજરાતમાં સર્જિકલ રોબોટની મદદથી સૌપ્રથમ વ્હિપ્પલ સર્જરી કરી; સ્વાદુપિંડના કેન્સરના 68 વર્ષીય દર્દીનો જીવ બચાવ્યો
વ્હિપ્પલ સર્જરી અતિ જટિલ ઓપરેશન છે, જે મુખ્યત્વે સ્વાદુપિંડના કેન્સરની પેશીઓ દૂર કરવા માટે હાથ ધરવામાં આવે છે
અમદાવાદઃ અમદાવાદમાં અગ્રણી મલ્ટિસ્પેશિયાલ્ટી હોસ્પિટલ ઝાયડસ હોસ્પિટલે 68 વર્ષના કેન્સરના એક દર્દીનું જીવન બચાવવા વિશિષ્ટ રોબોટિક આસિસ્ટેડ સર્જરી હાથ ધરી હતી. આ ‘વ્હિપ્પલ પ્રોસિજર’ નામની સર્જરી શ્રેષ્ઠ રોબોટિક-આસિસ્ટેડ સર્જરી સિસ્ટમ્સ પૈકીની એક દા વિન્સી શીની મદદથી હાથ ધરવામાં આવી હતી.
આ સિસ્ટમ અમેરિકાની ઇન્ટ્યુટિવે બનાવી છે. ગુજરાતમાં સર્જિકલ રોબોટની મદદ સાથે સૌપ્રથમ વખત વ્હિપ્પલ સર્જરી હાથ ધરવામાં આવી છે.
બિહારના ગણિતના પ્રોફેસર, દર્દીનું પેરિયમ્પુલેરી ટ્યુમર સાથે નિદાન થયું હતું. પ્રી-ઓપરેટિવ કામગીરી કર્યા પછી ઝાયડસના ડૉક્ટર્સે મિનિમલી ઇન્વેસિવ રોબોટિક સર્જરી કરવાનો નિર્ણય લીધો હતો.
આ ઓપરેશન 10 કલાક ચાલ્યું હોવા છતાં દર્દીની સ્થિતિમાં ઓપરેશન પછી સારો સુધારો થયો હતો અને તેમણે 2 દિવસમાં ભોજન લેવાનું શરૂ કર્યું હતું તથા 6 દિવસની અંદર હોસ્પિટલમાંથી રજા મળી હતી.
આ સર્જરીનું નેતૃત્વ કરનાર ડૉ. ભાવિન પટેલે કહ્યું હતું કે,“વ્હિપ્પલ અતિ જટિલ ઓપરેશન છે, જે મુખ્યત્વે સ્વાદુપિંડના કેન્સરની ગાંઠને દૂર કરવા માટે હાથ ધરવામાં આવે છે. સામાન્ય રીતે આ ઓપરેશન પેટ પર 15થી 20 સેમીના મોટા છેદ સાથે ઓપન સર્જરી દ્વારા કરવામાં આવે છે તથા એમાં સર્જરી પછી ઇન્ફેક્શન અને લીકેજ જેવી ઘણી સમસ્યાઓ ઊભી થાય છે.
અમે મોટા છેદ કર્યા હોવાથી મોટા પાયે લોહીની જરૂર પડશે. પણ દા વિન્સી શી જેવી અદ્યતન સર્જિકલ ટેકનોલોજીઓ સાથે હવે અમે મિનિમલ ઇન્વેસિવ પદ્ધતિનો વિકલ્પ પસંદ કર્યો હતો. અમને ખરેખર આનંદ થાય છે કે, અમે ગુજરાતમાં સૌપ્રથમ રોબોટિક વ્હિપ્પલ સર્જરી સફળતાપૂર્વક કરી શક્યાં છીએ. અમને આશા છે કે, જટિલ જીઆઇ અને સ્વાદુપિંડની ગાંઠ સાથે ઘણા દર્દીઓને ભવિષ્યમાં રોબોટિક આસિસ્ટેડ સર્જરીનો ફાયદો થશે.”
ડૉ. પટેલે ઉમેર્યું હતું કે,“દા વિન્સી શી રોબોટિક સર્જિકલ સિસ્ટમ સર્જનો માટે અતિ સહાયક છે. આ 3ડી વિઝન અને અર્ગોનોમિક ઇન્સ્ટ્રુમેન્ટેશન પ્રદાન કરશે, જે સર્જરી દરમિયાન ઘણી સચોટતા પ્રદાન કરે છે.” ડૉ. પટેલ અનુભવી રોબોટિક સર્જન છે, જેઓ મિનિમલ ઇન્વેસિવ સર્જરીમાં 25 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે.
તબિયતમાં ઝડપથી સુધારા પર કેન્સરમાં બચી ગયેલા 68 વર્ષીય દર્દી શ્રી વીરેન્દ્ર કુમાર સિંહે કહ્યું હતું કે, “હું ખરેખર ડૉ, ભાવિન પટેલ અને ઝાયડસ હોસ્પિટલમાં તેમની સંપૂર્ણ ટીમનો આભારી છું. તેમના વિના મારી તબિયતમાં આટલી ઝડપથી સુધારો ન થયો હોત. મારી સર્જરી પછી 3 દિવસની અંદર હું સંપૂર્ણપણે ફિટ થઈ જવાથી મને ચમત્કાર થયો હોવાની લાગણી થાય છે.”
આ સ્વાદુપિંડના કેન્સરનું ઓપરેશન જીઆઇ સર્જરીઓમાં સૌથી વધુ જટિલ સર્જરી પૈકીની એક ગણાય છે અને આ સર્જરી દુનિયાના બહુ ઓછા કેન્દ્રોમાં રોબોટિકલી હાથ ધરવામાં આવે છે. આ સર્જરીમાં સ્વાદુપિંડ, નાનાં આંતરડાનો આગળનો ભાગ, પિત્તની નળી, પિત્તાશયનો ભાગ દૂર કરવો પડે છે અને સર્જનોને કેન્સરની પેશીઓ દૂર કર્યા પછી આ તમામ ભાગોને જોડવાની જરૂર પડે છે. આ માટે સચોટ રીતે આ તમામ ભાગોને ફરીથી જોડવા પડે છે, એટલે આ સર્જરી અતિ કુશળ સર્જનો દ્વારા હાથ ધરવામાં આવે છે.