જનરલ રાવત સહિતના જવાનોના પાર્થિવદેહ દિલ્હી લવાયા: મોદીએ શ્રદ્ધાંજલિ આપી

નવી દિલ્હી, તમિલનાડુમાં ઘટેલી હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત તેમના પત્ની મધુલિકા અને ૧૧ જવાનોનો મૃતદેહ ગુરૂવારે રાતના દિલ્હીના પાલમ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા.
પાલમ એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે તમામ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ સપૂતોના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી હતી.
એરપોર્ટ પર એક પછી એક પાર્થિવદેહ લાવવામાં આવતા ગમગીનીનો માહોલ છવાઇ ગયો હતો. પરિવારજનોએ પણ પોતાના સ્વજનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા ઉપસ્થિત તમામ લોકોની આંખો ભીની થઇ ગઇ હતી. દિલ્હી એરપોર્ટ ઉપર એક પછી એક તમામ મૃતદેહોને લાવવામાં આવતા એરપોર્ટ ઉપર ગમગીની છવાઇ ગઇ હતી અને સ્વજનો રડી પડ્યા હતા બીપીન રાવતની બન્ને પુત્રીઓ ચૌધારે આંસુએ રડી હતી. જ્યારે અન્યના સ્વજનોએ પણ ભારે હૈયે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
કેન્દ્રિય રક્ષા મંત્રી રાજનાથસિંહ અને અજીત ડોભાલ તમામ પરીવારજનોને મળી સાંત્વના આપતા જાેવા મળ્યા હતા. આ પહેલાં ડોકટરની ટીમે રાવત, મધુલિકા અને બ્રિગેડિયર એલએસ લિદ્દર સહિત ૪ મૃતદેહની ઓળખ કરી હતી.
રાવત અને મધુલિકાના અંતિમ સંસ્કાર શુક્રવારે થશે. શુક્રવારે સવારે ૧૧થી બપોરે ૨ વાગ્યા સુધી લોકો રાવતના દિલ્હી સ્થિત ઘરે અંતિમ દર્શન કરી શકશે. જે બાદ કામરાજ માર્ગથી બરાર ચોક સુધી અંતિમયાત્રા કાઢવામાં આવશે.
દિલ્હી કેન્ટોન્મેન્ટમાં અંતિમ સંસ્કાર થશે. રક્ષા મંત્રાલયે ગુરૂવારે એક નિવેદન બહાર પાડ્યું હતું. મંત્રાલયે કહ્યું કે દુર્ઘટના એટલી ભયાનક હતી કે મૃતદેહની ઓળખ કરવી મુશ્કેલ બની ગયું છે.
અમે યોગ્ય ઓળખ થાય તે માટે દરેક સંભવિત પગલું ભરી રહ્યાં છીએ, કે જેથી કોઈની ભાવનાને ઠેંસ ના પહોંચે. મૃતકના પરિવારના લોકોને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. આ ઉપરાંત વૈજ્ઞાનિક રીતે પણ તપાસ કરવામાં આવશે.
પેન્ટાગનના પ્રેસ-સચિવ જાેન કિર્બીએ હેલિકોપ્ટર દુર્ઘટનામાં બિપિન રાવત અને તેમના સાથી સૈન્ય કર્મચારીઓના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. અમેરિકાના સંયુક્ત ચીફ ઓફ સ્ટાફના પ્રમુખ જનરલ માર્ક મિલે પણ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્તિ કર્યું છે. અમેરિકાના રક્ષા-સચિવ લોયડ જે ઓસ્ટિને પણ મૃતકોનાં પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.