બેંકમાં નોકરી કરતા અને ટ્રાવેલ્સની ઓફિસમાં નોકરી કરતા યુવાને જીવન ટૂંકાવ્યું
રાજકોટમાં આપઘાતના વધુ બે બનાવો પોલીસ ચોપડે પ્રકાશમાં આવ્યા છે. જેમાં બેંકમાં નોકરી કરતા યુવાને અને ટ્રાવેલ્સની ઓફિસમાં નોકરી કરતા યુવાને ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું છે. બનાવની જાણ પોલીસને થતા સ્ટાફ ઘટના સ્થળે જઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જેમાં પ્રથમ બનાવમાં રેલનગર વિસ્તારના સંતોષીનગર મેઇન રોડ પર આવેલા શ્રીરામ પાર્કમાં રહેતા કમલેશભાઇ કરમશીભાઇ તન્નાએ ગઈકાલે તેના ઘરે ગળાફાંસો ખાઇ લીધો હતો. બનાવની જાણ થતા પીએસઆઇ આર.એસ.સાંકળિયા સહિતનો સ્ટાફ બનાવસ્થળે દોડી ગયા હતા.જ્યાં બનાવ સ્થળેથી સ્યુસાઇડ નોટ મળી આવી હતી.
જેમાં તેને શેરબજારમાં નાણાં રોક્યા હતા. પરંતુ તેમાં ખોટ ગઇ છે, જેને કારણે લીધેલી લોનના હપ્તા ચડત થઇ જતા આ પગલું ભરી રહ્યાનું જણાવ્યું છે. પરિવારજનોની પૂછપરછ કરતા આપઘાત કરી લેનાર કમલેશભાઇ જામનગર ખાતે ખાનગી બેંકમાં નોકરી કરતા હતા. અને તેની પત્ની શિક્ષિકા છે.
અને સંતાનમાં એક પુત્રી છે.બનવથી માસુમ બાળકીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.અન્ય બનાવ ગોંડલ ચોકડી પાસે આવેલી પિતૃકૃપા ટ્રાવેલ્સ નોકરી કરતા હરેશ ધીરજભાઈ અગ્રાવત (ઉ.35)નામના યુવાને ગત મોડીરાતે ઓફિસમાં જ ફાંસો ખાઇ લીધો હતો.
ટ્રાવેલ્સ ઓફિસની બાજુમાં જ ચાની દુકાન ધરાવતા રણછોડભાઇએ મોડીરાતે દુકાનનું શટર ખુલ્લું હોય તપાસ કરતા હરેશને લટકતી હાલતમાં જોયો હતો.બાદમાં ટ્રાવેલ્સ સંચાલક અને પોલીસને જાણ કરી હતી. આજી ડેમ પોલીસે યુવાનના આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.