Western Times News

Gujarati News

હિંમતનગરના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે  ૧૦,૦૦૦ બહેનોનું સન્માન કરતો ‘નાર્યસ્તુ વંદના કાર્યક્રમ’

રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં બહેનોને ૫૦ ટકા અનામત આપી તેઓને ગામ થી જિલ્લા સુધીના શાસનની ધૂરા સોંપી છે:-મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

ગુજરાતની નારી બિચારી,બાપડી કે અબળા નહીં પરંતુ તેજસ્વિતાનું પ્રતીક:- મુખ્યમંત્રીશ્રી

ગુજરાતની નારીશક્તિને ‘‘આત્મનિર્ભર મહિલાશક્તિ’’ તરીકે પ્રસ્થાપિત કરી ‘આત્મનિર્ભર ગુજરાત’ થી ‘આત્મનિર્ભર ભારત ના સંકલ્પને સાકાર કરીએ 

ધારાસભ્યોને ‘સુકન્યા સમૃધ્ધિ યોજના’ અને ‘પ્રધાનમંત્રી સુરક્ષા વીમા’ યોજનાથી મતવિસ્તારની માતા-બહેનોને લાભાન્વિત કરવા અનુરોધ -ગંગા સ્વરૂપ બહેનોને સન્માનિત કરવાની નવતર પહેલમાં બહેનો-માતાઓને મદદરૂપ બનવાની ભાવના જોડાયેલી છે

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં હિંમતનગરના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પૂર્વ મંત્રી સ્વ.શ્રી રણજીતસિંહ ચાવડાના સ્મરણાર્થે નાર્યસ્તુ વંદના કાર્યક્રમ યોજાયો હતો.

નાર્યસ્તુ વંદના કાર્યક્રમમાં માતા- બહેનોને સંબોધીને મુખ્યમંત્રીશ્રીએ  ગુજરાતની નારીને બિચારી,બાપડી કે અબળા નહીં પરંતુ તેજસ્વિતાનું પ્રતીક ગણાવી હતી. તેઓએ નારીશક્તિમાં  કાબેલિયતનો ધોધ હંમેશા વહેતો હોવાનું પણ કહ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ આ કાર્યક્રમ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડાને તેમના સ્વ. પિતા અને પૂર્વ મંત્રી રણજીતસિંહ ચાવડાના સ્મર્ણાથે ૧૦ હજારથી વધુ ગંગા સ્વરૂપ મહિલાઓ માટે ‘નાર્યેસ્તુ વંદના’ કાર્યક્રમનું આયોજન કરવા બદલ રાજ્ય સરકાર વત્તી આભાર ભાવ પ્રગટ કર્યો હતો.તેઓએ ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહની માતા- બહેનોના સંવેદનશીલ પ્રશ્નો પ્રત્યેની  સજાગતા ને પણ બિરદાવી હતી.

 

મુખ્યમંત્રીશ્રીએ ભારતીય પરંપરાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, જે ઘર-પરિવારમાં નારીનું સન્માન અને ગૌરવ જળવાય તે ઘર પરિવારમાં દેવતાનો સદાય વાસ રહે છે તેવી દ્રઢ માન્યતા છે. ભારતીય સંસ્કૃતિએ હંમેશા નારી ગૌરવ-સ્ત્રીશક્તિ સન્માન આદરની પરંપરા સદીઓથી જાળવી રાખી છે.નારીશક્તિને ઉજાગર કરતો આજનો કાર્યક્રમ રાજ્યની અનેક માતા બહેનો ને પ્રોત્સાહન પૂરું પાડશે.

ગુજરાતના શાસનમાં ગ્રામ પંચાયત થી લઇ જિલ્લા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં  બહેનોને ૫૦ ટકા અનામત આપીને તેઓને ગામ, શહેર, નગર, પંચાયત અને જિલ્લાની શાસન ધૂરા સોંપી છે.

મુખ્યમંત્રીશ્રીએ ભગવદ્ ગીતાના ૧૮ અધ્યાય કંઠસ્થ કરી વર્લ્ડ ગિનિસ બુક માં નામાંકન માટે ક્વોલિફાઈડ થનારી હિંમતનગરના પેથાપુરની સાત વર્ષની દિકરી શનૈકા પટેલને અભિનંદન પાઠવ્યા હતા.

તદઉપરાંત પાવર લીફટીંગ રમતમાં ગોલ્ડ મેડલ અંકિત કરનાર ચાંપલાનારના કૃપાલીબેન નાયી અને ગુજરાત ઓપન ૨૦૦ મીટરની દોડમાં શેઠ શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ઉર્વશીબેન પરમારની પણ આગવી પ્રતિભાને તેઓએ બિરદાવી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશની માતા અને બહેનોની વિશેષ ચિંતા કરીને તેઓના ઉત્કર્ષ અને ઉત્થાન માટેની જનધન યોજના, ઉજ્જવલા યોજનામાં ગેસના ચૂલા વિતરણ, ખૂલ્લામાં શૌચક્રિયામુકતી માટે ૧૦૦ ટકા શૌચાલય સહિત દરેક યોજનામાં મહિલાશક્તિને કેન્દ્રસ્થાને રાખી છે.

ગુજરાત સરકાર દ્વારા પણ માતા-બહેનોના સર્વગ્રાહી વિકાસ માટે ‘મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના’ કાર્યરત કરવામાં આવી છે.જે અંતર્ગત રાજ્યમાં  ૧૦ હજાર સખીમંડળોની રચના કરીને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં એક લાખ બહેનોને રૂ. ૧૦૦ કરોડની લોન આપવામાં આવે છે.

ગંગા સ્વરૂપ યોજના અંતર્ગત અગાઉ ૨૧ વર્ષની ઉંમરનો પુત્ર થાય પછી સહાય બંધ કરવાની જોગવાઈ હતી જે હવે રદ કરવામાં આવી છે  તેના પરિણામે ૧૦ લાખથી વધુ ગંગા સ્વરૂપ બહેનોને સહાયનો લાભ મળતો થયો છે.

મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પ ને સાકાર કરવા કરવા નારીશક્તિ માતા, બહેનોને પણ ‘‘આત્મનિર્ભર મહિલાશક્તિ’’ તરીકે પ્રસ્થાપિત કરી આત્મનિર્ભર ગુજરાત બનાવવાની નેમ વ્યક્ત કરી હતી.

પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ શ્રી સી.આર. પાટીલે ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડાને અભિનંદન પાઠવતા જણાવ્યું હતુ કે, ગંગા સ્વરૂપ બહેનોને સન્માનિત કરવાની નવતર પહેલમાં બહેનો-માતાઓને મદદરૂપ બનવાની ભાવના જોડાયેલી છે. આજે હિંમતનગર તાલુકાની જ ૧૦,૦૦૦ થી વધુ બહેનો સન્માન કરવાની સાથે નારી શક્તિને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં પોતાના રાજકીય કારકિર્દીન સંસ્મરણોને વાગોળતા શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી શરૂ કરાયેલ મોદી સમર્થક મહિલા મંડળ સ્થાપના અંગેની વાત કરતા જણાવ્યું હતું કે, આ મંડળમાં ૫૦૦ થી લઇ ૫૦ હજાર બહેનોને એકત્ર કરી મહિલા સંમેલન યોજવામાં આવે છે. તેની વિશેષતાની વાત કરતા કહ્યુ હતું કે, મકરસંક્રાતિથી શરૂ થતા આ સમંલેન બે માસ સુધી ચાલે છે. જેમાં મહિલાને હલ્દી કંકુથી તિલક કરીને પતિના દિર્ધાયુની કામના કરાય છે. આ સમંલેન થકી સામાજીક કુરીવાજોને તિલાજંલી આપવા કટીબધ્ધ બનતી મહિલાઓથી સાચા અર્થમાં નારી શક્તિનો સાક્ષાત્કાર કરાવે છે.ગુજરાતમાં સામાજીક દૂષણો દૂર કરવા મહિલા શક્તિને જોડતા સમાજમાં દહેજ પ્રથા તથા લગ્ન અને મરણ પ્રસંગે થતા ખોટા ખર્ચને ટાળી શક્યા હોવાનું તેઓએ ઉમેર્યુ હતુ.

તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા દિકરીના જન્મને પ્રોત્સાહન આપવા શરૂ કરાયેલી ‘સુકન્યા સમૃધ્ધિ યોજના’ની વાત કરતા જણાવ્યું હતું કે, નાની બચતની શરૂઆત કરીને દિકરીઓના લગ્નપ્રસંગે હાથમાં આવતી મૂડી ગરીબ પરીવારની આર્થિક સમસ્યાને હળવી કરે છે સાથે સલામત સમાજનું નિર્માણ થાય છે. વધુમાં તેમણે તમામ ધારાસભ્યોને પોતાના મતવિસ્તારમાં માતા-બહેનોને સુકન્યા સમૃધ્ધિ યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાથી લાભાન્વિત કરવા અનુરોધ કર્યો હતો.

હિંમતનગરના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડાએ નાર્યસ્તુ  વંદના કાર્યક્રમનો વિચારબીજ શ્રી સી.આર. પાટીલે રોપ્યો હોવાનું જણાવી કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્યમંત્રી સહિત તમામ લોકોનો આભાર વ્યકત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) શહિદ વીર જનરલ બિપીન રાવતને શ્રધ્ધાજંલિ અપર્ણ કરી હતી. નારી તું નારાયણી ની પરિકલ્પનાને ચરિતાર્થ કરતા આ કાર્યક્રમમાં ગંગાસ્વરૂપ બહેનો, વાલ્મિકી સમાજની બહેનો સહિત જિલ્લાની વિવિધ માતા-બહેનોનું મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે પ્રતિકરૂપે ગૌરવભેર સન્માન કરવામાં આવ્યું હતું.

નાર્યસ્તુ  વંદના કાર્યક્રમ સામાજીક અને ન્યાય અધિકારીતા મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર, રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ અને જિલ્લા પ્રભારી અને મંત્રી શ્રી કુબેર ડીંડોર,  મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમાર, ધારાસભ્ય શ્રી હિતુ કનોડીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધીરજભાઇ પટેલ, પૂર્વ મંત્રી સર્વશ્રી રમણલાલ વોરા, જયસિંહ ચૌહાણ, વી.ડી.ઝાલા, પ્રદેશ અગ્રણી કુ. કૌશલ્યાકુંવરબા, ભરત આર્ય, જિલ્લા ભાજપ પ્રમુખ જેડી પટેલ, સહકારી અગ્રણીઓ સહિત હિંમતનગરની માતા-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.