CDS બિપિન રાવતની અસ્થિઓનું હરિદ્વારમાં વિસર્જન
દિલ્હીથી સવારે છ વાગ્યે સેનાનું વિશેષ વિમાન સીડીએસ બિપિન રાવતની અસ્થિઓ લઈને જોલી ગ્રાન્ટ માટે રવાના થયું
દેશના પ્રથમ CDS બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતની અસ્થિઓનું આજે હરિદ્વાર ગંગામાં વિસર્જન કરવામાં આવશે. સીડીએસ બિપિન રાવત અને તેમની પત્ની અને અન્ય સૈન્ય અધિકારીઓનું 8 ડિસેમ્બરના રોજ તમિલનાડુના કુન્નરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં અચાનક મૃત્યુ થયું હતું. શનિવારે જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતની અસ્થિઓનું વીઆઈપી ઘાટ પર વિસર્જન કરવામાં આવશે.
હરિદ્વારમાં અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ અને નિરંજની અખાડાના સચિવ મહંત રવિન્દ્રપુરી અને મહામંત્રી શ્રી મહંત હરિગીરીએ જણાવ્યું કે અખાડા અને સંત સમાજ મળીને જનરલ બિપિન રાવતની યાદમાં ભવ્ય શહીદ ધામ બનાવશે. જે ઉત્તરાખંડનું પાંચમું ધામ બનશે.
ઉત્તરાખંડના ચાર પવિત્ર ધામોની યાત્રાની સાથે પ્રવાસીઓ પણ આ ધામના દર્શન કરવા આવશે. તેમણે કહ્યું કે આ દુખની ઘડીમાં સમગ્ર સંત સમાજ અને અખિલ ભારતીય અખાડા પરિષદ દિવંગત શહીદોના પરિવારો અને રાષ્ટ્રની સાથે અડગ છે. તેમણે કહ્યું કે અમર શહીદ જનરલ બિપિન રાવત ઉત્તરાખંડના અમૂલ્ય રત્ન હતા. જેમણે પોતાની તેજસ્વીતાથી સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે.