પહેલી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને 9 વિકેટથી હરાવ્યું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/12/Aus21-1024x576.jpg)
બ્રિસબેન, એશિઝ સિરીઝની પહેલી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ એકતરફી જીત મેળવી છે. ઇંગ્લેન્ડ ટીમે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે માત્ર 20 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં કાંગારુએ 1 વિકેટના નુકસાને ટાર્ગેટ ચેઝ કરી 9 વિકેટથી મેચ જીતી લીધી છે.
ઇંગ્લેન્ડે પહેલી ઈનિંગમાં 147 રન કર્યા હતા, જ્યારે ઓસ્ટ્રેલિયાએ 425 રન કરી જંગી લીડ મેળવી લીધી હતી. જેના પરિણામે ઇંગ્લેન્ડની ટીમ બીજી ઈનિંગમાં સારી શરૂઆત બાદ 297 રનમાં ઓલઆઉટ થઈ જતા ઓસ્ટ્રેલિયાએ 20 રનનો ટાર્ગેટ સરળતાથી ચેઝ કરી મેચ જીતી લીધી છે.
બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયન ટીમની આક્રમક બોલિંગ સામે ઇંગ્લેન્ડની શરૂઆત સારી રહી હતી. તેમણે DAY-4એ 2 વિકેટના નુકસાને 220 રનથી આગળ રમવાનું શરૂ કર્યું, પરંતુ ડેવિડ મલાન (82 રન) આઉટ થતા ઇંગ્લેન્ડની ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી.
ત્યારપછી કેપ્ટન રૂટ (89 રન) પણ સારુ રમી શક્યો નહીં અને પેવેલિયન ભેગો થયો હતો. મલાન અને રૂટના આઉટ થયા પછી ઇંગ્લેન્ડની ટીમ કઈ ખાસ કરી શકી નહી અને 268 રનના સ્કોર પર 7 વિકેટ ગુમાવી દીધી હતી અને જોતજોતામાં તો 297 રનમાં ઇંગ્લેન્ડની ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી.
ચોથા દિવસે નેથન લાયને પહેલી વિકેટ લીધી હતી. તેણે મલાનને પેવેલિયન ભેગો કર્યો હતો. નેથન લાયને પોતાની તમામ 4 વિકેટ ચોથા દિવસે જ લીધી હતી. તેના સિવાય કેમરૂન ગ્રીન અને પેટ કમિંસે 2-2, જ્યારે જોશ હેઝલવુડ અને મિચેલ સ્ટાર્કને 1-1 વિકેટ મળી હતી.
એશિઝમાં ઓસ્ટ્રેલિયા 5 મેચની સિરીઝમાં હવે 1-0થી આગળ થઈ ગઈ છે. જેની બીજી મેચ 16 ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે.