ભત્રીજીએ કાકાને રોડની વચ્ચે છરી ઘોંપી દીધી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/12/Knife-crime.jpg)
પ્રતિકાત્મક
સુરત, સુરત શહેરમાંથી એક સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. અહીં એક ૩૦ વર્ષીય શખ્સે પોતાની ૧૭ વર્ષીય ભત્રીજીના એક યુવક સામેના સંબંધ સામે વાંધો ઉઠાવ્યો હતો. આ કારણોસર ભત્રીજી અને તેના બોયફ્રેન્ડે મળીને શનિવારે મોડી રાત્રે પોતાના કાકા પર હુમલો કર્યો હતો. ત્યાંથી પસાર થનારા લોકોએ તેમને બચાવ્યા અને હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં આ બાબતે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.
મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદ અનુસાર, મહેશભાઈ મહિધરપુરા વિસ્તારમાં પોતાના પરિવાર સાથે રહે છે. મહેશભાઈના વિધવા ભાભી પણ આ જ વિસ્તારમાં પોતાની બે દીકરીઓ સાથે રહે છે. મહેશભાઈ પોતાની ભત્રીજીના એક યુવક સાથેના સંબંધના વિરોધમાં હતા.
ફરિયાદ અનુસાર લગભગ છ મહિનાથી તે યુવક આ લોકો સાથે તેમના ઘરમાં રહે છે. શનિવારના રોજ મોડી રાત્રે મહેશભાઈ સહારા ગેટ પાસે અંડરપાસ પર ઉભા હતા અને તે સમયે તેમણે ભત્રીજી પાયલ અને તેના બોયફ્રેન્ડને જાેયા. મહેશભાઈએ તેમને રોક્યા અને પોતાની ભત્રીજીને તે છોકરા સાથે આ પ્રકારે ફરવાની ના પાડી.
મહેશભાઈની દખલગીરીથી રોષે ભરાઈને તે યુવતી અને તેના બોયફ્રેન્ડે લડાઈ શરુ કરી હતી. થોડીવારમાં તમણે છરીઓ નીકાળી અને મહેશભાઈ પર હુમલો કર્યો. પાયલે મહેશભાઈના પેટમાં છરી ઘોંપી જ્યારે તેના બોયફ્રેન્ડે પગમાં ઘોંપી. મહેશભાઈએ મદદ માટે બૂમો પાડતા બન્ને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત મહેશભાઈને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં તેમણે પાયલ અને તેના બોયફ્રેન્ડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મહિધરપુરા પોલીસે આઈપીસીની કલમ ૩૨૪, ૩૨૬ અને ગુજરાત પોલીસ એક્ટના સેક્શન ૧૩૫ અંતર્ગત ગુનો દાખલ કર્યો છે.SSS