છોકરીઓના લગ્નની વયમર્યાદા વધારવા માટે આ સત્રમાં બીલ રજૂ થઈ શકે છે
નવીદિલ્હી, કેબિનેટની બેઠકમાં છોકરીઓ માટે લગ્નની લઘુત્તમ વયમર્યાદા વધારવા સંબંધિત બિલને મંજૂરી આપવામાં આવી છે. ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી આપેલા ભાષણમાં સરકારનો ઈરાદો વ્યક્ત કર્યો હતો. છોકરીઓના લગ્ન માટે લઘુત્તમ વયમર્યાદા ટૂંક સમયમાં ૧૮ થી વધારીને ૨૧ વર્ષ કરવામાં આવી શકે છે. આ માટે સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
આ સંબંધિત બિલ સંસદના આ સત્રમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. લગ્નની ઉંમર વધારવા માટે બાળ લગ્ન કાયદામાં સુધારો કરવામાં આવશે. હાલમાં આ કાયદામાં છોકરીઓના લગ્નની વય મર્યાદા ૧૮ વર્ષ નક્કી કરવામાં આવી છે.
કેબિનેટ બેઠકમાં કાયદામાં ફેરફાર કરવા માટેના સુધારા બિલને મંજૂરી આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કરી હતી.
ગયા વર્ષે આ મુદ્દે રચાયેલી ટાસ્ક ફોર્સે પોતાના રિપોર્ટમાં લગ્નની લઘુત્તમ ઉંમર ૧૮થી વધારીને ૨૧ વર્ષ કરવાની ભલામણ કરી હતી. પૂર્વ સાંસદ જયા જેટલીની અધ્યક્ષતામાં ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી. તેના રિપોર્ટમાં, ટાસ્ક ફોર્સે માતા બનવાની વય મર્યાદા અને મહિલાઓ સાથે સંબંધિત અન્ય મુદ્દાઓ પર પણ ભલામણ કરી હતી.HS