એલએસી પરના તણાવ વચ્ચે ચીને તિબેટ સરહદે મોક ડ્રીલ શરૂ કરી
નવીદિલ્હી, ચીનનાં પીપલ્સ લિબરેશન આર્મીની જાેઇન્ટ મીલિટરી બ્રિગેડે તિબેટમાં કેમિકલ, બાયોલોજિકલ અને એન્ટી ન્યુક્લિયર વૉર ફેરનો અભ્યાસ શરૂ કરી દીધો છે. તિબેટને સ્પર્શીને રહેલાં લડાખમાં એલએસી ઉપર ભારત અને ચીન વચ્ચે વધી રહેલી તંગદિલીને લીધે ચીનની આ ‘મોક ડ્રીલ’ ઘણી મહત્ત્વની ગણવામાં આવે છે.
આ યુદ્ધાભ્યાસમાં કમાન્ડોઝ, સશસ્ત્ર દળો અને કેમિકલ વૉર ફેરની તાલિમ લીધેલા સૈનિકો સામેલ હતા. આ સૈનિકો ચીનની સેના પીપલ્સ લિબરેશન આર્મીનો એક વિશિષ્ટ વિભાગ રચે છે. આ યુદ્ધાભ્યાસ તિબેટ ક્ષેત્રમાં વેસ્ટર્ન થીએટર કમાન્ડના હાથ નીચે કરવામાં આવી રહ્યો છે.
ચીનમાં પાંચ થીયેટર કમાન્ડસ છે. તેમાં આ કમાન્ડ સૌથી મોટો અને સૌથી મહત્ત્વનો છે. ભારત સાથેની તંગદિલીમાં તેની સૌથી મોટી ભૂમિકા છે. આ કમાન્ડ જ લડાખથી શરૂ કરી અરૂણાચલ પ્રદેશ સુધીની ૩,૪૮૮ કી.મી. લાંબી સરહદે ધ્યાન રાખે છે.
પી.એલ.એ.નાં એક ન્યૂઝ પોર્ટલે જ આ માહિતી આપી છે. તે નવેમ્બરના અંતના ભાગમાં કરવામાં આવ્યો હતો. આ પોર્ટલમાં જણાવવામાં આવ્યું હતું કે, તેમાં રાત્રે પણ ડ્રીલ ચાલુ હતી. તેમાં રોકેટ છોડવામાં આવ્યાં હતાં, આર્મીના ઇજનેરોને પણ બોલાવ્યા હતા. તેમણે ટાર્ગેટનાં સ્થળોએ વિસ્ફોટક ઇન્સ્ટોલ કર્યા હતાં.HS