Western Times News

Gujarati News

ગ્રૃપ કેપ્ટન વરુણ સિંહનો નશ્વર દેહ ભોપાલ પહોંચ્યો

ભોપાલ, ૮ ડિસેમ્બરના રોજ તમિલનાડુના કુન્નુર ખાતે હેલિકોપ્ટર ક્રેશમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા બાદ ગ્રૃપ કેપ્ટન વરુણ સિંહે ગત રોજ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. હેલિકોપ્ટર ક્રેશ બાદ એકમાત્ર વરુણ સિંહનો જ આબાદ બચાવ થયો હતો, જાે કે લાંબી સારવાર બાદ પણ તેઓને બચાવી શકાયા ન હતા.

આજે ગ્રૃપ કેપ્ટન વરુણ સિંહનો નશ્વર દેહ ભોપાલ ખાતે લાવવામાં આવ્યો હતો. અહીં એરપોર્ટ ખાતે સીએમ શિવરાજસિંહ ચૌહાણ સહિતનાં મંત્રી અને અધિકારીઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. જે બાદ તેઓનો નશ્વર દેહ સેનાની ગાડીમાં તેમના ભોપાલ સ્થિત ઘરે લઈ જવામાં આવ્યો હતો. અને શુક્રવારે તેઓના બૈરાગઢમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

ગુરુવારની સવારે ગ્રૃપ કેપ્ટન વરુણ સિંહનો નશ્વર દેહ બેંગલુરુથી ભોપાલ ખાતે લવાયો હતો. એરપોર્ટ પર રાજકીય સન્માન સાથે વરુણ સિંહને અંતિમ વિદાય આપવામાં આવી હતી. ભોપાલ એરપોર્ટ પર વરુણ સિંહના પાર્થિવ દેહને જાેઈને પરિવારજનોના આક્રંદથી વાતાવરણમાં ગમગીની ફેલાય ગઈ હતી. એરપોર્ટ પર વરુણ સિંહના પિતા અને તેઓના ભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

સૈન્ય ગાડીમાં તેઓના પાર્થિવ દેહને ભોપાલ સ્થિત સન સિટી ખાતે લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ રસ્તા પર ઉભા રહીને ભીની આંખોએ વરુણ સિંહને અંતિમ વિદાય આપી હતી. સૈનાની ગાડીમાં વરુણ સિંહનો પાર્થિવ દેહ તેમના ઘરે લઈ જવામાં આવતો હતો, ત્યારે સીએમ શિવરાજસિંહ પણ લોકોની સાથે-સાથે ટ્રકની પાછળ ચાલી રહ્યા હતા.

સીએમ શિવરાજસિંહ ચૌહાણે હેલિકોપ્ટર ક્રેશમાં જીવ ગુમાવનાર ગ્રૃપ કેપ્ટન વરુણ સિંહના પરિવારને ૧ કરોડ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. આ સાથે તેઓએ કહ્યું કે, ગ્રૃપ કેપ્ટન વરુણ સિંહને રાજકીય અને સૈન્ય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવશે. તેમજ તેઓએ કહ્યું કે, પરિવારના લોકો સાથે ચર્ચા કર્યાં બાદ વરુણ સિંહની મૂર્તિ લગાવવી સહિતના વિષયો અંગે ર્નિણય લેવામાં આવશે.

વરુણ સિંહના ભોપાલ સ્થિત ઘરે સાંજના સમયે લોકો અંતિમ દર્શન કરી શકશે અને તે બાદ રાત્રિના સમયે વરુણ સિંહના નશ્વર દેહને સૈન્ય હોસ્પિટલમાં રાખવામાં આવશે. શુક્રવારના રોજ સવારે ૧૧ વાગ્યાની આસપાસ બૈરાગઢ મિલિટરી વિસ્તારમાં રાજકીય સન્માન સાથે તેઓના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.