દુષ્કર્મનો કેસ ૪૧ વર્ષે શરૂ થતાં પીડિતાની કેસ બંધ કરવા અરજી
અમદાવાદ, એક તરફ જ્યાં ફોજદારી અદાલતો જાતીય ગુનાના કેસોમાં ઝડપથી ન્યાય આપવા માટે પ્રયત્નશીલ છે, ત્યારે અમદાવાદની એક અદાલતને દુષ્કર્મના કેસમાં આરોપીને નિર્દોષ છોડવો પડ્યો હતો કારણ કે દુષ્કર્મનો આરોપ લગાવ્યાના ૪૧ વર્ષ પછી કોર્ટમાં કેસની શરુઆત થઈ હતી.
જેથી પીડિતાએ કેસ બંધ કરવા માટે કોર્ટને અરજી કરી હતી. પીડિતા જે હવે હાલ ૫૫ વર્ષની છે, તેણે કોર્ટને જણાવ્યું કે તે હવે જીવનમાં આગળ વધી ગઈ છે અને આ કેસને આગળ વધારવા માંગતી નથી કારણ કે હાલ પોતે અન્ય પુરુષ સાથે શાંતિપૂર્ણ લગ્ન જીવન પસાર કરી રહી છે અને તેના બાળકો પણ હવે પુખ્ત વયના થઈ ગયા છે. તેવામાં તેમના ભવિષ્યનો વિચાર કરીને કાયદાકીય કાર્યવાહીમાં આગળ વધવા માગતી નથી.
આ બાબતે તેણે કોર્ટને લેખિત નિવેદન આપ્યું હતું અને કોર્ટને કેસ બંધ કરવા વિનંતી કરી હતી. જે અનુસાર એડી. સેશન્સ જજ ડી એમ વ્યાસે તેમના આદેશમાં નોંધ્યું હતું. કોર્ટે આ વર્ષે ૩૦ નવેમ્બરના રોજ પુરાવાના અભાવે દુષ્કર્મના આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતો.
કેસની વિગતો અનુસાર ૩૦ જૂન, ૧૯૮૦ના રોજ મુંબઈનો એક ટેક્સી ડ્રાઈવર અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી યુવતી સાથે કથિત રીતે ભાગી ગયો હતો. મુંબઈ જતી વખતે દંપતી સાથે યુવતીની અન્ય એક સ્ત્રી મિત્ર પણ જાેડાઈ હતી. જાેકે તેની આ સ્ત્રી મિત્ર તે જ વર્ષે ૩ જુલાઈએ અમદાવાદ પાછી ફરી હતી અને ત્યાર બાદ પોલીસે ૮ જુલાઈના રોજ પીડિત મહિલાને પણ શોધી કાઢી હતી.
મહિલાના પિતા સહિત ચાર સાક્ષીઓની જુબાની દ્વારા કોર્ટને જાણ થઈ હતી કે ટેક્સી ડ્રાઈવર બંને યુવતીઓને મુંબઈ લઈ ગયો હતો. એક સાક્ષીએ કોર્ટને જણાવ્યું કે ડ્રાઈવરે બંને યુવતીઓને વાલકેશ્વરમાં તેના ઘરે રાખી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે અવલોકન કર્યું હતું કે બંને યુવતીઓને આરોપીએ કેદ કરી ન હતી. અન્ય એક સાક્ષીએ કોર્ટને જણાવ્યું હતું કે તેણે ૧ જુલાઈના રોજ ટેક્સી ડ્રાઈવરના લગ્ન કરાવ્યા હતા, પરંતુ તેણે કહ્યું હતું કે જાેકે લગ્નમાં કઈ યુવતી હતી તે જાેયું નહોતું. લગ્ન સમયે જે યુવતી હતી તેણે પોતાની ઉંમર ૨૦ વર્ષ જણાવી હતી.
જાેકે સમગ્ર કેસમાં કેન્દ્રમાં રહેલી સરખેજની મહિલાએ કોર્ટમાં પોતાની જુબાની આપવાનો ઇનકાર કર્યો હોવાથી, કોર્ટે કહ્યું કે પ્રત્યક્ષ કે પરોક્ષ પુરવાની ગેરહાજરીમાં, અન્ય સાક્ષીઓની જુબાનીનો કોઈ અર્થ સરતો નથી. કોર્ટે કહ્યું કે આરોપીના લગ્ન ૧ જુલાઈ ૧૯૮૦ના રોજ થયા હતા. પરંતુ આરોપીએ સરખેજની જ યુવતી સાથે લગ્ન કર્યા હોવાનું પુરવાર થતું ન હતું. કોર્ટે કહ્યું હતું કે આરોપી વિરુદ્ધના પુરાવાઓ તેના દ્વારા અપહરણ, લગ્ન અથવા દુષ્કર્મની સાબિતી આપતા નથી.SSS