અસિત વોરાની હકાલપટ્ટી ન થઈ તો આંદોલન કરીશું
ગાંધીનગર, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ કલાર્કની પરીક્ષાનું પેપર પરીક્ષાના આગલા દિવસે જ ફૂટી ગયાનું છેવટે સ્પષ્ટ થયું છે. ગૌણ સેવા મંડળના અધ્યક્ષ અસિત વોરા ઓથેન્ટિક કહેવાય તેવા કોઈ પુરાવા મળ્યા નથી તેવું કહેતા હતા તે પુરાવાના આધારે જ પોલીસે તપાસ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે, આપના નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા પેપર લીક થયા હોવાના પુરાવા આપવામાં આવ્યા હતા. જે મામલે આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંધવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને પેપર લીક થયું હોવાની સત્તાવાર જાહેરાત કરી છે. ત્યારબાદ મીડિયા સાથેની વાતચીતમાં યુવરાજસિંહે સરકારને ૭૨ કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે કે અસિત વોરાને દૂર કરો, નહીં તો ફરી રસ્તા પર આંદોલન થશે. તેમણે વધુમાં કહ્યું કે, અમે નથી ઈચ્છતા કે પરીક્ષા રદ થાય પરંતુ જ્યાં સુધી આ મુદ્દે તપાસ ચાલે છે ત્યાં સુધી અસિત વોરાને તેમના પદથી દૂર કરવામાં આવે.
આ સાથે જ તેમણે એમ પણ જણાવ્યુ કે, હજુ પણ અમારી પાસે ગુપ્ત પુરાવા છે. આ ગુપ્ત પુરાવા અમે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આપીશું. આરોપીઓ વિરુદ્ધ કડક પગલાં થાય એ જ અમારી માંગ છે. આ સાથે જ તેમણે એવો આક્ષેપ પણ કર્યો હતો કે પેપર લીક કરનારા સૂત્રધારોને રાજકીય નેતાઓનું પીઠબળ છે.
અમે અસિત વોરાને તેમના પદ પરથી હટાવવા માટે સરકારને ત્રણ દિવસનું અલ્ટિમેટમ આપીએ છીએ. જાે તેમને દૂર નહીં કરાય તો અમે આંદોલન કરીશું. તેમજ આ કેસમાં આરોપીઓ સામે રાજદ્રોહની કલમો લગાવવામાં આવે. સમગ્ર મામલે હર્ષ સંઘવીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, પેપર લીક કેસમાં અત્યાર સુધી ૬ લોકોની ધરપકડ કરી છે.
આ મામલે પ્રાતિંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં પોલીસે ૪૦૬, ૪૦૯, ૪૨૦, ૧૨૦ મુજબ ગુનો દાખલ કર્યો છે, અને આગામી સમયમાં વધુ કલમો ઉમેરવામાં આવશે. કેસમાં હજી ૪ આરોપી ફરાર છે અને જલ્દીથી તેમની પણ ધરપકડ કરવામાં આવશે. હાલ કેસની તપાસ ચાલી રહી છે અને આ અંગે વધુ માહિતી આપવામાં આવશે.
તેમજ કેસના મૂળ સુધી પહોંચ્યા બાદ પરીક્ષા રદ કરવી કે નહીં તે અંગે ર્નિણય લેવાશે. ગૃહ રાજ્યમંત્રી વધુમાં જણાવ્યું હતું કે, મામલો સામે આવ્યા બાદ ૩ દિવસ સુધી સતત તપાસ ચાલી હતી. જેમાં સામે આવ્યું હતું કે, એક જ જિલ્લામાં ૩ ગ્રુપમાં પેપર સોલ્વ કરવામાં આવ્યા હતા. પોલીસે પહેલા શકમંદોને પકડવાનું કામ કર્યું હતું અને પહેલા જ દિવસે ૬ લોકોને પકડી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે પ્રાતિંજ પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો સાથે હવે ફરિયાદ નોંધવામાં છે.
કેસના મૂળ સુધી પહોંચવા માટે સરકાર કટિબદ્ધ છે અને સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર પ્રાતિંજના ઉંછાના ફાર્મહાઉસથી પેપર લીક કરીને ચાર લાખથી ૧૪ લાખ રૂપિયા સુધીની સોદાબાજી કરવાના ષડયંત્રમાં સાબરકાંઠા સ્થિત ભાજપના રાજકીય માથા સહિતના બે ડોક્ટર, એક ફાઈનાન્સર, બે શિક્ષક સહિતના લોકોની સંડોવણી સામે આવી છે. સમગ્ર મામલે હર્ષ સંધવીએ મીડિયાને વધુમાં જણાવ્યું કે, સોશિયલ મીડિયાના માધ્યમથી પેપરલીકનો મામલો સામે આવ્યો હતો. મામલો સામે આવતાં જ તાત્કાલિક તપાસના આદેશ અપાયા હતાં.પેપરલીકમાં સંડોવાયેલા શંકાસ્પદો છટકી ના જાય તે માટે પોલીસ એલર્ટ હતી.SSS