દીકરીના પરિવારે જમાઈ-વેવાણ પર જીવલેણ હુમલો કર્યો
અમદાવાદ, પ્રેમલગ્નથી નારાજ પરિવારે જમાઈ, દીકરી અને તેના સાસુ પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ગોમતીપુર વિસ્તારમાં આ ઘટના બની હતી. પુત્રીના પ્રેમલગ્નથી નારાજ તેનો પરિવાર જમાઈના ઘરે તલવાર, ચપ્પુ અને ડંડા લઈને પહોંચ્યો હતો. સાસરિયાઓએ ઘરની બહાર બાઈકમાં તોડફોડ કરતાં જમાઈ સહિતનો પરિવાર બહાર આવી ગયો હતો. ત્યારે સાસરી પક્ષના લોકોએ જમાઈ પર તલવાર અને ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. દીકરાને બચાવવા વચ્ચે પડેલી જમાઈને માતાને પણ ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ અંગે ગોમતીપુર પોલીસે ફરિયાદ નોંધી છે.
ઘટનાની વિગતે વાત કરીએ તો, ગોમતીપુર વિસ્તારમાં ૨૨ વર્ષીય પાર્થ જિતેન્દ્ર મકવાણા પરિવાર સાથે રહે છે. તેના જ વિસ્તારમાં રહેતી કુંદનભાઈ વિઠ્ઠલભાઈ મકવાણાની દીકરી શ્રુતિ સાથે પાર્થે ૫ જૂન ૨૦૨૧ના રોજ પ્રેમલગ્ન કર્યા હતા. જેથી શ્રુતિનો પરિવાર પાર્થથી નારાજ હતો. ૧૬ ડિસેમ્બરની રાત્રે આઠ વાગ્યે પાર્થ પત્ની અને માતા જશોદાબેન સાથે ઘરે હતો. ત્યારે તેના સસરા કુંદનભાઈ ત્યાં આવ્યા હતા અને જાેરજાેરથી ગાળો બોલવા લાગ્યા હતા.
તેથી પાર્થ ઘરની બહાર આવ્યો હતો. ત્યારે સસરાએ તેના પર પથ્થરથી હુમલો કર્યો હતો. એકાએક થયેલા આ હુમલાને કારણે પાર્થ ઘરમાં આવી ગયો હતો. આ દરમિયાન પાર્થનો સાળો બોબી, સાસુ જયશ્રીબહેન અને કાકા સસરાનો દીકરો રાહુલ પણ ત્યાં આવ્યા હતા. તેમણે પાર્થની બાઈક પર ડંડા મારીને નુકસાન કર્યું હતું. જેથી ફરી પાર્થ તેની પત્ની અને માતા સાથે ઘરની બહાર આવ્યો ત્યારે સસરાએ તલવાર વડે તેના પર હુમલો કર્યો હતો.
પાર્થને લોહી નીકળવા લાગ્યું છતાં તેના સસરાએ તલવારનો બીજાે ઘા કર્યો હતો. બચવા માટે પાર્થે પોતાનો હાથ વચ્ચે નાખતાં તે લોહીલુહાણ થઈ ગયો હતો. દરમિયાન રાહુલે છરી વડે હુમલો કર્યો હતો અને સાળા બોબીએ મારામારી કરી હતી. ત્યારે પાર્થની પત્ની અને માતા તેને બચાવા વચ્ચે પડ્યા હતા.
ત્યારે સાસરિયાંઓએ તેમને પણ લાકડીથી ફટકાર્યા હતા અને પાર્થના મમ્મી લોહીલુહાણ થયા હતા. બૂમાબૂમ થતાં આસપાસના લોકો એકત્ર થઈ જતાં શ્રુતિના પરિવારના ચારેય સભ્યો ધમકી આપીને ત્યાંથી નાસી ગયા હતા. એમ્બ્યુલન્સ બોલાવીને પાર્થ અને તેની મમ્મીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગોમતીપુર પોલીસે પાર્થની ફરિયાદ નોંધી ફરાર કુંદન મકવાણા, બોબી, જયશ્રીબહેન અને રાહુલની શોધખોળ શરૂ કરી છે.SSS