ધાબળો ઓઢીને સુતો હતો યુવક, લોકોએ જોયું તો યુવકની હત્યા થઈ હતી
ભુજ, કચ્છના ગાંધીધામમાં ઓવરબ્રિજ નીચે એક યુવકની લાશ મળી આવતા ચકચાર મચી હતી. વહેલી સવારે શહેરના ચુંગી નાકા પાસે પેટ્રોલ પંપની સામે ઓવબ્રિજ નીચે જાહેર સૌચલાય પાસે વટેમાર્ગુઓ દ્વારા ધાબળો ઓઢીને સુતેલા યુવકને ઉઠાડતા કોઈ પ્રતિભાવ ન મળતાં લોકોએ પોલીસને જાણ કરી હતી.
પોલીસે ઘટનાસ્થળ પર યુવક પરથી ધાબળો હટાવી જાેતા, તેના માથા પર તીક્ષ્ણ હથિયાર વડે કરેલો ઘા નજરે ચડ્યો હતો. પ્રાથમિક તપાસ બાદ બોડીને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવી હતી અને ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ઇન્ડિયન પીનલ કોડની કલમ ૩૦૨ મુજબ અજાણ્યા શખસો વિરુદ્ધ હત્યાના ગુનામાં એફઆઇઆર નોંધી હતી.
પોલીસની તપાસમાં યુવક ગાંધીધામના ખોડીયાર નગર ઝૂંપડપટ્ટીનો રહેવાસી જાણ થયો હતો. હતભાગી સંજય વાલજી દેવીપૂજકની ઉંમર ૨૨ વર્ષ હતી. સંજયભાઈની હત્યા ગત સાંજે ૮.૩૦ થી સવારે ૭ વાગ્યાના અરસામાં થઈ હોવાનો પોલીસનો અનુમાન છે.પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.HS