બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક કરનારા વધુ 2 આરોપીની ધરપકડ
અમદાવાદ, ગુજરાતમાં બહુચર્ચિત બનેલા પેપર લીક કૌભાંડ મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસે વધુ બે આરોપીને ઝડપી લઇ 23 લાખ રૂપિયા જેટલી રકમ જપ્ત કરી છે. રવિવારે લેવાયેલી હેડ ક્લાર્કની 186 જગ્યાની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી ગયાનું આખરે સરકારે 6 દિવસ બાદ સત્તાવાર રીતે કબૂલ કર્યું હતું.
આગામી સમયમાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરી તમામ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલવા પોલીસની ટીમો કામે લાગી છે. હાલમાં પોલીસે વધુ આરોપીઓને પકડવા માટે તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે.
ગુજરાતમાં ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક કરવાના આરોપમાં સાબરકાંઠા જિલ્લા પોલીસે શુક્રવારે 11 લોકો સામે ફરિયાદ દાખલ કરી હતી, જે પૈકી ગઈકાલે 6 આરોપીની અટકાયત કરાઈ હતી. હવે વધુ બે આરોપીની ધરપકડ કરી 23 લાખ જેટલી રકમ પોલીસે જપ્ત કરી છે.
આ અંગે સાબરકાંઠા જિલ્લા પોલીસવડાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે પેપર લીક કૌભાંડ અંતર્ગત કોઈપણ આરોપીને છોડવામાં આવશે નહીં તેમજ તમામ સામે કડકમાં કડક કાર્યવાહી થાય એ માટેના પ્રયાસો હાથ ધરાયા છે. હાલમાં 11 આરોપી પૈકી 8 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. જેમને પ્રાંતિજ કોર્ટમાં મોકલી કાયદાકીય પ્રક્રિયા અંતર્ગત 14 દિવસના રિમાન્ડ માગવામાં આવશે.