જાપાનના ઓસાકા શહેરની મેન્ટલ હેલ્થ ક્લિનિકમાં આગ લાગતા ૨૭ના મોત

ઓસાકા, જાપાનના ઓસાકા શહેરની એક ઇમારતમાં આજે સવારે આગ ફાટી નીકળી હતી. લોકલ મીડિયા અનુસાર ઘટનામાં ૨૭ લોકોના મોતની આશંકા છે. તેમાં ૧૦ મહિલાઓ સામેલ છે. જાપાન સરકારે અત્યાર સુધી માર્યા ગયેલા લોકોની પુષ્ટિ નથી કરી.
અહેવાલો અનુસાર મોટાભાગના લોકોના મોત શ્વાર રૂંધાઇ જવાના કારણે થયા. તેમાંથી મોટાભાગના એ લોકો હતાં જેઓ એક માનસિક રોગ ક્લિનિકમાં ઇલાજ માટે આવ્યા હતાં. પોલીસ સૂત્રોને ટાંકીને કેટલાક જાપાની મીડિયા આઉટલેટ્સે જણાવ્યું છે કે એક વ્યક્તિએ કથિત રીતે આગ લગાડવા માટે લિક્વિડ ફેંક્યું હતું.
ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું કે આગ સ્થાનિક સમય અનુસાર સવારે ૧૦.૧૮ કલાકે લાગી હતી. બપોર સુધીમાં ૭૦ ફાયર ફાઇટરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. પશ્ચિમ જાપાનમાં કિતાશિંચી રેલવે સ્ટેશન નજીકના વ્યસ્ત બિઝનેસ વિસ્તારમાં લાગેલી આગને અડધા કલાક બાદ કાબૂમાં લેવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. પોલીસ પ્રશાસને કહ્યું છે કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
અહેવાલો અનુસાર આગને કારણે ઇમારતના ચોથા માળે ઘણું નુકસાન થયું છે. ઓસાકા ફાયર વિભાગે જણાવ્યું હતું કે આગમાં ઘાયલ થયેલા ૨૮ લોકોમાંથી ૨૭ લોકોના બચવાની કોઇ શક્યતાઓ ન હતી. આગ લાગ્યા બાદ કેટલાક લોકો મદદ માટે ચીસો પાડતા જાેવા મળ્યા.
પાંચમા અને છઠ્ઠા માળે પણ જ્વાળાઓ પહોંચી હતી. જાેકે અહીં રહેલા તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા. ફાયર ડિપાર્ટમેન્ટ અનુસાર ઇમારતના જે ભાગમાં આગ લાગી હતી ત્યાં ઘણી જ સાંકળી જગ્યા હતી. લોકો ત્યાં ફસાઇ ગયા અને આ કારણે ઝડપથી શ્વાસ રૂંધાવા લાગ્યો. આ અગાઉ ૨૦૧૯માં ક્યોટોમાં એક વ્યક્તિએ ફિલ્મ સ્ટૂડિયોમાં આગ લગાવી દીધી હતી. ઘટનામાં ૩૬ લોકો માર્યા ગયા હતાં. આ પહેલા ૨૦૦૧માં કાબુકિચો શહેરની એક રેસ્ટોરન્ટમાં પણ ભયાનક આગ લાગી હતી. આ ઘટનામાં ૪૪ લોકોના મોત થયા હતાં.HS