સુરત આગકાંડનો ચુકાદો, બિલ્ડરને મૃતકોના વાલીઓને ૩૫ લાખનું વળતર ચૂકવવા આદેશ

સુરત, તક્ષશિલા અગ્નિકાંડનો એ ગોઝારો દિવસ ગુજરાતના ઈતિહાસમાં ક્યારેય ભૂલી શકાય તેવો નથી. જેમાં ૨૨ માસુમ વિદ્યાર્થીઓ આગમાં હોમાયા હતા. ત્યારે આ કેસ મુદ્દે હાઇકોર્ટે ચુકાદો આપ્યો હતો. કોર્ટે બિલ્ડર હસમુખ વેકરિયાના શરતી જામીન મંજૂર કર્યા છે. સાથે જ તેને ૩૫ લાખનું વળતર ૪ મહિનામાં મૃતકોના વાલીઓને આપવા હાઇકોર્ટે હુકમ કર્યો છે. આ કેસના ૧૪ આરોપીમાંથી ૧૨ ને જામીન મળ્યા છે. જાેકે, ક્લાસિસ સંચાલક ભાર્ગવ બુટાણી અને બિલ્ડર દિનેશ વેંકરિયા હજુ જેલમાં છે.
સુરતના તક્ષશિલા અગ્નિકાંડ ૨૨ માસુમ વિદ્યાર્થીઓના મોત થયા હતા. સુરત પોલીસે આ કેસમાં ૧૪ આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારે ગઈકાલે અગ્નિકાંડ કેસના ચુકાદામાં હાઈકોર્ટે બિલ્ડર હરસુખ વેંકરિયાને જામીન આપ્યા છે, જે ૨૬ મે, ૨૦૧૯ થી જેલમાં હતો. સાથે જ આરોપી હરસુખ વેકરિયાને રૂ.૩૫ લાખ ૪ મહિનાના ગાળામાં જમા કરાવવાનો આદેશ કર્યો છે.
સુરતમાં દેશને હચમચાવી દેનારી એક ઘટના બની હતી. ૨૪મી મે, વર્ષ ૨૦૧૯… સમય સાંજના ૪ કલાક આસપાસ… વાત છે સુરતમાં તક્ષશિલામાં થયેલા અગ્નિકાંડની… આ ઘટનાના દ્રશ્યો જાેઈને અનેક લોકોની આંખમાં આસું આવી ગયા હતા… એ ગોઝારો દિવસ કોઈ પણ ભૂલી શકે તેમ નથી. સાંજે ચાર વાગ્યે આગ લાગવાની ઘટના બની કે તેને એક બે નહીં પરંતુ ૨૨ નિર્દોષોએ પોતાના જીવ ગુમાવ્યા હતાં.
એક તરફ બિલ્ડિંગના ચોથા માળેથી જીવ બચાવી વિદ્યાર્થીઓ કુદી રહ્યા હતાં, તો બીજી તરફ ૧૬ જેટલા માસુમો આગની જ્વાળામાં લપટાઈ ચુક્યા હતા. આ ઘટનામાં નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન એટલે કે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે ગુજરાત સરકારને નોટિસ પાઠવી અને જવાબ માગ્યો હતો.HS