કોરોનાના કેસમાં થયેલો ઘટાડો, ઓમિક્રોનના કેસ ૧૫૦ થયા
નવી દિલ્હી, એક તરફ ભારતમાં કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે ત્યારે વિદેશમાં જે રીતે કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનના કેસમાં વધારો થઈ રહ્યો છે તે ભારત માટે ચિંતાનું કારણ બની રહ્યો છે. ભારતમાં ઓમિક્રોનના કુલ કેસનો આંકડો ૧૫૦ પર પહોંચી ગયો છે. બીજી તરફ દેશમાં કોરોનાના નવા કેસમાં મે ૨૦૨૦ પછીનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે, આ સાથે એક્ટિવ કેસ પણ ૫૭૦થી વધુ દિવસના તળિયે પહોંચ્યા છે.
ભારતમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૬,૫૬૩ કેસ નોંધાયા છે, જ્યારે વધુ ૧૩૨ દર્દીઓના મોત થયા છે. દેશમાં ૨૪ કલાકમાં વધુ ૮,૦૭૭ દર્દીઓ સાજા પણ થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં ૫૭૨ દિવસના તળિયે પહોંચીને એક્ટિવ કેસ ૮૨,૨૬૭ થઈ ગયા છે.
પાછલા એક દિવસમાં વધુ ૧૫,૮૨,૦૭૯ રસીના ડોઝ સાથે કુલ રસીકરણનો આંકડો ૧,૩૭,૬૭,૨૦,૩૫૯ પર પહોંચી ગયો છે. કોરોનાથી મૃત્યુઆંક વધીને ૪,૭૭,૫૫૪ થઈ ગયો છે.
૧૯ ડિસેમ્બરે ભારતમાં વધુ ૫ ઓમિક્રોનના કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા ૧૫૦ને પાર કરી ગઈ છે. ઓમિક્રોનના દેશમાં સૌથી વધુ ૫૪ કેસ મહારાષ્ટ્રમાં છે. આ સિવાય દિલ્હીમાં ૨૪, રાજસ્થાનમાં ૧૭, તેલંગાણામાં ૨૧, ગુજરાતમાં ૧૧, કેરળમાં ૧૧ કેસ નોંધાયા છે, આ સિવાય આંધ્રપ્રદેશ, ચંદીગઢ અને તામિલનાડુમાં ૧-૧ કેસ છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં ૪ કેસ નોંધાયા છે.
ભારતીય એક્સપર્ટ્સ દ્વારા કોરોનાના નવા વેરિયન્ટને ધ્યાનમાં રાખીને લોકોને રસીકરણ માટે આગળ આવવા માટે સૂચન કરવામાં આવી રહ્યા છે. જેમણે રસીના ડોઝ લીધા હોય તેમના પર કોરોનાના નવા વેરિયન્ટની ગંભીર અસરો ના થઈ રહી હોવાનું પણ દર્દીઓની સારવાર દરમિયાન જાેવા મળ્યું છે.
રાજ્યમાં ગાંધીનગર, મહેસાણા, રાજકોટ અને આણંદમાં વધુ એક-એક કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા વધીને ૧૧ પર પહોંચી ગઈ છે. જેમાંથી કેટલાક સંક્રમિતોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને તેમની હાલત સ્થિર છે.
રવિવારે ગુજરાતમાં કોરોના વાયરસના નવા ૫૧ કેસ નોંધાયા છે અને તેની સામે વધુ ૫૫ દર્દીઓ સાજા થયા છે. રાજ્યના ૨૪ કલાકના કોરોના વાયરસના આંકડામાં એકપણ દર્દીનું મોત નીપજ્યું નથી. રાજ્યમાં રવિવારે આજે સાંજે ૪ વાગ્યા સુધીમાં કુલ ૮૭,૧૮૯ વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું.
રાજ્યમાં કોવિડ-૧૯થી સાજા થવાનો દર ૯૮.૭૧ ટકા નોંધાયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ ૮૧૭૮૭૪ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે કુલ મૃત્યુઆંક ૧૦૧૦૧ નોંધાયો છે. રાજ્યમાં એક્ટિવ કેસો ૫૭૧ છે જેમાં ૪ દર્દી વેન્ટિલેટર પર જ્યારે ૫૬૭ દર્દીઓ સ્ટેબલ છે.SSS