Western Times News

Gujarati News

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જાસપુર પ્લાન્ટ- નવા નેટવર્ક માટે તાકિદે રૂા.રપપ કરોડ ફાળવ્યા

નવા પશ્ચિમ ઝોન, બોપલ- ઘુમા સહિતના વિસ્તારોને લાભ મળશે

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરના વસ્તી અને વિસ્તાર વધવાની સાથે માળખાકીય સુવિધાઓમાં વધારો કરવામાં આવી રહયો છે. મ્યુનિ. કોર્પોરેશનને વર્લ્ડ બેંક તરફથી મળનાર લોનમાંથી ડ્રેનેજ અને સુઅરેજ સિસ્ટમ માટે ર૦પ૦ની સાલ સુધીનું આયોજન કરવામાં આવ્યું છે તેવી જ રીતે મ્યુનિ. હસ્તકના ત્રણ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતામાં વધારો કરીને પીવાલાયક પાણી માટે પણ આગામી ૩૦ વર્ષનું આયોજન થઈ રહયુ છે.

શહેરના દક્ષિણ ઝોનમાં રાસ્કાથી પાણી સપ્લાય થાય છે. રાસ્કાની વર્તમાન ક્ષમતા ર૦૦ એમએલડી છે. જેમાં વધુ ૧૦૦ એમએલડીનો વધારો થઈ રહયો છે. જયારે પશ્ચિમ, મધ્ય, ઉત્તર અને પૂર્વઝોનમાં કોતરપુરથી પાણી સપ્લાય થાય છે જેની ક્ષમતા ૮પ૦ એમએલડી છે. ભવિષ્યની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને કોતરપુર વોટર વર્કસમાં ૩૦૦ એમએલડીના નવા પ્લાન્ટનું કામ ચાલી રહયુ છે.

જયારે નવા પશ્ચિમ ઝોનના વિસ્તારોમાં જાસપુર પ્લાન્ટમાંથી પાણી સપ્લાય થાય છે જેની ક્ષમતા ૪૦૦ એમએલડી છે. ભવિષ્યની ડીમાન્ડને ધ્યાને લઈ જાસપુર માટે ર૦૦ એમએલડી ક્ષમતાના નવા પ્લાન્ટ માટે ટેન્ડર મંજુર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પણ નવા પશ્ચિમ ઝોન તથા પશ્ચિમ ઝોનની ભાવિ જરૂરીયાતને જાેતા માત્ર એક જ દિવસમાં રૂા.રપપ કરોડની માતબર રકમ પીવાલાયક શુધ્ધ પાણી માટે મંજુર કર્યાં છે.

શહેરના ઉત્તર-દક્ષિણ- પશ્ચિમ ઝોન, પશ્ચિમ ઝોનનાં કેટલાક વિસ્તાર તેમજ નવ સમાવિષ્ટ બોપલ, ઘુમા, શેલા અને ગોધાવીમાં જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણી સપ્લાય કરવામાં આવે છે. જાસપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી હાલ દૈનિક ૪૦૦ એમએલડી પાણી સપ્લાય થાય છે.

પશ્ચિમ ઝોનના ૧૪ વો.ડી. સ્ટેશનમાં ૧૧ર.૦૪ એમએલડી, ઉ.પ.ઝોનના ર૮ વો.ડી. સ્ટેશનમાં ર૦૪.૧૯ એમએલડી તથા દ.પ.ઝોનના ર૩ વો.ડી. સ્ટેશનમાં ૧૧ર.૬ર એમએલડી પાણીની ક્ષમતા છે. જયારે નજીકના ભવિષ્યમાં પશ્ચિમ ઝોનમાં ૩૪.૧૮ એમએલડી ક્ષમતાના ૦ર, ઉ.પ.પશ્ચિમ ઝોનમાં ૦૩ વો.ડી. સ્ટેશનની ક્ષમતા પર.૧૬ એમએલડી રહેશે. આમ, હયાત ૬પ તથા નવા બનતા ૧૩ વો.ડી. સ્ટેશનની કુલ ક્ષમતા ૬ર૮.૬૧ એમએલડી રહેશે.

જાસપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી અંદાજે ર૧૩.૪૦ ચો.કીલોમીટર વિસ્તારમાં પાણી સપ્લાય થાય છે. જાસપુરના કમાન્ડ એરીયામાં ર૦૧૩ની સાલમાં પાણીની જરૂરીયાત ૬૦પ.૧૮ એમએલડી અને ર૦૪પમાં ૯ર૭.૩૬ એમએલડી રહેશે. જાસપુરની વર્તમાન ક્ષમતા ૪૦૦ એમએલડી છે. જેમાં તાકીદે વધારો કરવામાં ન આવે તો નજીકના ભવિષ્યમાં જ પાણીની કટોકટીનું નિર્માણ થઈ શકે છે. તેથી મ્યુનિ. કોર્પોરેશન દ્વારા જાસપુર ખાતે વધુ ર૦૦ એમએલડી ક્ષમતાનો પ્લાન્ટ તૈયાર કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. જેના માટે રૂા.૧૦૯ કરોડનો ખર્ચ થશે. સદ્‌ર પ્લાન્ટ તૈયાર થયા બાદ ર૦૩૧ સુધીની પાણી ડીમાન્ડ પુરી થશે.

જાસપુર પ્લાન્ટનું કામ પુર્ણ થયા બાદ જાસપુરથી વૈષ્ણોદેવી સર્કલ સુધી રપ૦૦ એમ.એમ.ની લાઈન નાંખવામાં આવશે, જેના કારણે શાંતિપુરા સર્કલ સુધી પુરતા પ્રેશરથી પાણી સપ્લાય થશે. તેવી જ રીતે કોતરપુરના ૩૦૦ એમએલડી પ્લાન્ટનું કામ પૂર્ણ થયા બાદ પશ્ચિમ ઝોનના વિસ્તારોમાં સપ્લાય માટે ર૦૦૦ એમ.એમ.ની નવી લાઈન નાંખવામાં આવશે.

કોતરપુરથી નરેન્દ્ર મોદી સ્ટેડીયમ સુધી લાઈન નાંખવામાં આવ્યા બાદ બ્રીજ બનાવી લાઈનને પશ્ચિમના અન્ય વિસ્તારો સાથે જાેડવામાં આવશે. નવા બ્રીજ માટે રૂા.૧૭ કરોડનો ખર્ચ થશે. જયારે સદ્‌ર નવી લાઈન માટે રૂા.૮૭.૧૬ કરોડનો ખર્ચ થશે. જયારે જાસપુરના નવા પ્લાન્ટ તથા રપ૦૦ મી.મી.ની લાઈન માટે કુલ રૂા.૧૬૯ કરોડનો ખર્ચ થશે.

મ્યુનિ. કોર્પોરેશનની વર્તમાન નાણાકીય સ્થિતિને જાેતા સદ્‌ર કામ સમયસર શરૂ થશે કે કેમ તે બાબતે શંકા પ્રર્વતી રહી હતી. પરંતુ વોટર સપ્લાય કમીટી ચેરમેને આ મામલે મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરતા પ્રશ્ન હલ થયો છે. વો. સપ્લાય ચેરમેન જતીનભાઈ પટેલના જણાવ્યા મુજબ જાસપુર વો. ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ નવી બે લાઈનો નાંખવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે ચર્ચા કર્યા બાદ તેમણે પ્રેઝન્ટેશન માટે ઈચ્છા વ્યકત કરી હતી.

તેથી સોમવારે મુખ્યમંત્રીને પ્રેઝન્ટેશન દર્શાવી પ્રોજેકટથી વાકેફ કર્યા હતા, ભવિષ્યની જરૂરીયાતને તથા પ્રજાકીય કામને ધ્યાનમાં લઈ મુખ્યમંત્રીએ તાત્કાલીક બંને કામ માટે કુલ રૂા.રપપ.૮૯ કરોડને મંજુરી આપી હતી. મ્યુનિ. કોર્પોરેશનના ઈતિહાસમાં રાજય સરકાર તરફથી “સ્પોટ મંજુરી” મળી હોય તેવો કદાચ આ પ્રથમ પ્રોજેકટ હશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.