વડોદરા શહેરમાં ત્રણ રોડ રોમિયોની ધરપકડ કરાઈ
વડોદરા, વડોદરા શહેરમાં રોડ રોમિયો દ્વારા રસ્તે જતી મહિલાઓની છેડતીના વધતા બનાવોમાં પાણીગેટ પોલીસે ત્રણ રોડ રોમિયોની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે.
અવાવરા રસ્તા પર રસ્તે જતી મહિલાઓને સીટી મારી અને શારીરિક છેડતી થતી હોવાની ફરિયાદ મળતા પાણીગેટ પોલીસની જીરી ટીમ દ્વારા રોડ રોમિયોને ઝડપી પાડવા માટે ટ્રેપ ગોઠવ્યો હતો. જ્યાં ત્રણ દિવસની મહેનત બાદ રોડ બાઇક પર આવેલા ત્રણ રોડ રોમિયોને પોલીસે ઝડપી પાડ્યા હતા.
એટલું જ નહીં પોલીસે છેડતી કરતા રોડ રોમિયો પાસે રીક્રિએશન કરાવી અને પોલીસની તત્પરતા નું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું હતું. પાણીગેટ પોલીસ મથક વિસ્તારમાં આવેલી વાઘોડિયા રોડની વૈકુંઠ સોસાયટી અને આસપાસના વિસ્તારમાં રસ્તે જતી મહિલાઓની છેડતી થતી હોવાની ઘટના વારંવાર પોલીસ મથક સુધી પહોંચી હતી. જે બાદ પોલીસે આવા રોમિયોને ઝડપી પાડવા માટે ટ્રેપ ગોઠવ્યો હતો.
જીરી ટીમના મહિલા સ્ટાફને સાથે રાખી અવાવરી જગ્યાએ ટ્રેપ ગોઠવ્યો હતો અને આસપાસ સાદા કપડામાં પોલીસ જવાનો ગોઠવાઈ ગયા હતા. ત્રણ દિવસથી સતત મહેનત કરવા છતાંય પોલીસને સફળતા મળતી ન હતી. એટલામાં આજે પોલીસે વૈકુંઠ પાસેના મેદાનમાં સાદા પહેરવેશમાં જીરી ટીમની મહિલા પોલીસ અને સદા ડ્રેસમાં આસપાસની ઝાડીઓમાં પોલીસ જવાનો ને તૈનાત કર્યા હતા.
સમગ્ર ટ્રેપનું પાણીગેટ પોલીસ મથકના પીઆઈ કેટી પરમાર મોનીટરીંગ કરી રહ્યા હતા. જે ટ્રેપ દરમિયાન એક બાઇક પર ત્રણ યુવાનો આવ્યા હતા અને સાદા સ્વાંગમાં પસાર થતી મહિલા પોલીસની છેડતી કરી હતી.
પોલીસની પૂછપરછમાં છેડતી માટે વાપરવામાં આવેલી બાઇક પણ ચોરીની હોવાનું બહાર આવ્યું હતું જ્યારે પાણીગેટ અને રાવપુરા પોલીસ મથક વિસ્તારમાંથી બે વાહનો ચોરી કર્યા હોવાની વિગતો કબુલી હતી. પાણીગેટ પોલીસના પીઆઈ કેટી પરમાર તેમજ જીરી ટીમના સ્ટાફ દ્વારા સમગ્ર ઘટનાનું રિક્રિએશન કરવામાં આવ્યું હતું. જનજાગૃતિ માટે કરવામાં આવેલા રિક્રિએશન પોલીસની ઉત્તમ કામગીરીના દર્શન થયા હતા. રોડ રોમિયોની છેડતીથી ગભરાવવાની જરૂર નથી પરંતુ તેનો પ્રતિકાર કરવાની હિંમત દરેક મહિલાઓ એ દાખવવી જાેઈએ તેવો સંદેશો પણીગેટ પોલીસે આપ્યો છે.SSS