૨૪ તેજસ ફાઇટર પ્લેન બનાવવા માટે કુલ ૬૬૫૩ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે

નવીદિલ્હી, સરકારે સંસદમાં સ્વદેશી ફાઈટર જેટ, એલસીએ તેજસની કિંમતનો ખુલાસો કર્યો છે. સોમવારે, સંરક્ષણ રાજ્ય પ્રધાન અજય ભટ્ટે એક લેખિત પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે વાયુસેનાને અત્યાર સુધીમાં ૨૪ તેજસ ફાઇટર પ્લેન બનાવવા માટે કુલ ૬૬૫૩ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. સ્પષ્ટ છે કે, આવી સ્થિતિમાં તેજસ વિમાનની કિંમત લગભગ ૨૭૭ કરોડ આવે છે.
ભારતીય વાયુસેનાના આધુનિકીકરણ તરીકે તેજસ જેટને સામેલ કરવામાં આવ્યું છે. અજય ભટ્ટના જણાવ્યા અનુસાર, ૩૦.૦૯.૨૦૨૧ સુધી સોંપવામાં આવેલા ૨૪ એલસીએ તેજસના નિર્માણ માટે અત્યાર સુધીમાં ખર્ચવામાં આવેલી રકમ રૂ. ૬૬૫૩ કરોડ જેટલી છે. રક્ષા રાજ્ય મંત્રી અજય ભટ્ટે એમ પણ જણાવ્યું કે ભારતીય વાયુસેના દ્વારા એચએએલ (હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ) સાથે થયેલા કરારને ધ્યાનમાં રાખીને કુલ ૧૨૩ તેજસ ફાઈટર એરક્રાફ્ટનું નિર્માણ કરવામાં આવનાર છે.
આ ઉપરાંત, એલસીએ તેજસનું ઉત્પાદન ભારતીયોની સંરક્ષણ જરૂરિયાતો અને નિકાસની જરૂરિયાત પર આધાર રાખે છે. આ માહિતી સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટ દ્વારા રાજ્યસભામાં સંસદ સભ્ય બ્રિજલાલ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્યસભાના ટેબલ પર મૂકવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ભારતે ફ્રાન્સ પાસેથી કુલ ૫૯ હજાર કરોડ રૂપિયામાં ૩૬ રાફેલ ફાઈટર એરક્રાફ્ટ ખરીદ્યા છે. આવી સ્થિતિમાં એક રાફેલની કિંમત લગભગ ૧૬૩૮ કરોડ થાય છે. પરંતુ રાફેલ ડીલમાં ભારતે ફ્રાન્સ સાથે એડવાન્સ મિસાઈલ, બોમ્બ અને અન્ય હથિયારોની ડીલ પણ કરી હતી.
જાે કે, વર્ષ ૨૦૧૬માં તત્કાલિન સંરક્ષણ રાજ્ય મંત્રી સુભાષ રાવ ભામરેએ સંસદમાં જણાવ્યું હતું કે એક રાફેલ ફાઈટર એરક્રાફ્ટની કિંમત ૬૭૦ કરોડ છે.તેમણે લેખિત જવાબમાં એ નથી કહ્યું કે આ ૬૭૦ કરોડ એકલા રાફેલ વિમાનના છે કે તેની સાથે મળી આવેલી મિસાઈલો અને હથિયારોના છે. તેમજ રાફેલ એ ફોર પોઈન્ટ ફાઈવ (૪.૫) જનરેશન ફાઈટર જેટ છે જ્યારે સ્વદેશી એલસીએ તેજસ એ ફોર્થ (૦૪) જનરેશન ફાઈટર એરક્રાફ્ટ છે.HS