કાપડની આડમાં લાવવામાં આવી રહેલો ૩.૯૮ લાખનો દારૂનો જથ્થો ઝડપાયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/Daru-1-1024x569.jpg)
સુરત, સુરતમાં ડીસીબી પોલીસે બોલેરો પીકઅપ ગાડીમાં કાપડની આડમાં લાવવામાં આવી રહેલો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે ૩.૯૮ લાખની કિંમતનો દારૂ અને ગાડી મળી કુલ ૯.૦૫ લાખની મત્તા કબજે કરી હતી. સાથે જ દારૂનો જત્થો મંગાવનાર અને આપનાર બે ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે.
સુરતમાં બુટલેગરો દારૂની હેરાફેરી કરવા માટે અવનવા કિમિયા અજમાવતા હોય છે અને ભૂતકાળમાં આવા અનેક કિમિયાનો પર્દાફાશ થઇ ચુક્યો છે. ત્યારે હવે સુરતમાં દારૂ કાપડના તાકાની આડમાં ઘૂસાડવામાં આવતો હોવાનો પર્દાફાશ થયો છે.
ડીસીબી પોલીસના સ્ટાફને માહિતી મળી હતી કે કેટલાક ઈસમો બોલેરો પીકઅપ ગાડીમાં દારૂનો જથ્થો હેરાફેરી કરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી કડોદરા રોડ લેન્ડમાર્કેટની સામેથી ગાડી ઝડપી પાડી હતી. પોલીસે તેમાં તપાસ કરતા કાપડના તાકાની આડમાં દારૂનો જથ્થો રહેલો હતો.
જેથી પોલીસે ગોડાદરા સ્થિત ઋષિનગરમાં રહેતા વિનોદ ભવરલાલ બિસ્નોઈની ધરપકડ કરી હતી. પોલીસે ૩.૯૮ લાખની કિંમતનો દારૂ, ૫ લાખની કિંમતની ગાડી, ૧૭ હજારની કિંમતનો મોબાઈલ અને કાપડના તાકાના પોટલા મળી કુલ ૯.૦૫ લાખની મત્તા કબજે કરી હતી.
પોલીસ તપાસમાં આ દારૂનો જથ્થો રફીક ઉર્ફે રાજુ મારવાડીએ મગાવ્યો હતો અને મહારાષ્ટ્રના દહીંવેલ હાઈવે પાસે આવેલી હોટલ નજીકથી રાજુ મારવાડીના માણસ લાલાએ આ દારૂનો જથ્થો આપ્યો હતો. જેથી ડીસીબી પોલીસે બંને ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.HS