અદાણીને મેરઠ-પ્રયાગરાજ એક્સપ્રેસ વેનો કોન્ટ્રાક્ટ મળ્યો

નવી દિલ્હી, અદાણી ગ્રૂપને ઉત્તર પ્રદેશમાં દેશનો સૌથી લાંબો એક્સપ્રેસવે બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. તે મુજબ કંપની મેરઠ-પ્રયાગરાજ વચ્ચે ૫૯૪ કિમી લાંબો ગંગા એક્સપ્રેસવે તૈયાર કરશે જેના માટે રૂ. ૧૭,૦૦૦ કરોડનો ખર્ચ થશે. અદાણી જૂથ બદાયુંથી પ્રયાગરાજ સુધીને ૪૬૪ કિમી લાંબો એક્સપ્રેસવે બનાવશે જે પ્રસ્તાવિત એક્સપ્રેસવેનો ૮૦ ટકા જેટલો હિસ્સો થાય છે.
આ એક્સપ્રેસવે ત્રણ હિસ્સામાં બનશે. તેમાં બદાયુંથી હરદોઈ સુધી ૧૫૧.૭ કિમી, હરદોઈથી ઉન્નાવ સુધી ૧૫૫.૭ કિમી અને ઉન્નાવથી પ્રયાગરાજ સુધીના ૧૫૭ કિમીના એક્સપ્રેસવેનો સમાવેશ થાય છે. અદાણી એન્ટરપ્રાઈઝિસ લિમિટેડ એક્સેસ કન્ટ્રોલ્ડ સિક્સ-લેન એક્સપ્રેસવેનું બાંધકામ કરશે અને તેને આઠ લેન સુધી વિસ્તારી શકાશે.
એઇએલ (અદાણી એન્ટરપ્રાઇઝિસ લિમિટેડ)એ આ ત્રણ મહત્ત્વના હિસ્સાના બાંધકામ માટે યુપી એક્સપ્રેસવેઝ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટી પાસેથી લેટર ઓફ ઓર્ડર મેળવ્યો છે. આ કામ પીપીપી મોડમાં કરવામાં આવશે જેમાં ડિઝાઈન, બિલ્ડ, ફાઈનાન્સ, ઓપરેટ અને ટ્રાન્સફરનો સમાવેશ થાય છે જે ૩૦ વર્ષના ગાળા માટે રાહતદરે રહેશે. મેરઠને પ્રયાગરાજ સાથે જાેડતો ગંગા એક્સપ્રેસવે ડીબીઓફઓટીના ધોરણે અમલમાં આવનારો ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસવે હશે.SSS