અન્ય ગંભીર બીમારીથી પીડાતા બાળકોએ ધ્યાન રાખવું પડશે
રાજકોટ, ગત અઠવાડિયામાં રાજકોટ શહેરમાં કુલ પાંચ બાળકો કોરોના વાયરસની ચપેટમાં આવ્યા હતા. આ પાંચ બાળકોમાં એક સમાનતા એ હતી કે તમામના પરિવારને અથવા પરિવારના કોઈ એક સભ્યને અગાઉ કોરોના થઈ ચૂક્યો હતો. ઉલ્લેખનીય છે કે બાળકોમાં કોરોનાના કેસ સામે આવતા વાલીઓ ચિંતામાં મુકાઈ ગયા છે.
અત્યારે ઘણાં વાલીઓએ બાળકોને શાળાએ મોકલવાની શરુઆત કરી છે, આવી સ્થિતિમાં હવે તેમને શાળાએ મોકલવા કે કેમ તે એક પ્રશ્ન ઉભો થયો છે. આ સ્થિતિમાં બાળરોગોના નિષ્ણાંતોની ખાતરી રાહત આપનારી છે. તેમનું કહેવું છે કે, જ્યાં સુધી કોરોનાના ડેલ્ટા વેરિયન્ટની વાત છે, આ વેરિયન્ટની સંક્રમિત બાળકોએ કપરી સ્થિતિનો શિકાર નહીં બનવું પડે.
અત્યારે બાળકોમાં ઓમિક્રોનના કેસની સંખ્યા લગભગ શૂન્ય છે, માટે તેની પણ ચિંતા કરવાની જરુર નથી. ઉલ્લેખનીય છે કે ભારતમાં હજી ૧૮ વર્ષથી ઓછી ઉંમરના લોકોને કોરોનાની રસી આપવામાં નથી આવી. તબીબોના જણાવ્યા અનુસાર, કોરોનાની પહેલી અને બીજી લહેર દરમિયાન સંક્રમિત થયેલા બાળકોમાં પણ ઘણાં ઓછા લક્ષણો જાેવા મળ્યા હતા.
બાળરોગ નિષ્ણાંત ડોક્ટર જય ધિરવાનીએ જણાવ્યું કે, વયસ્કોની જેમ જ બાળકોમાં પણ જેમને મેદસ્વીતા અથવા અન્ય કોઈ સ્વાસ્થ્યને લગતી સમસ્યા હોય, તેમણે ધ્યાન રાખવાની જરુર છે. કોરોના વાયરસની પ્રથમ અને બીજી લહેરના અનુભવને ધ્યાનમાં રાખતા, ઘણાં ઓછા બાળકો એવા છે જેમની સ્થિતિ ગંભીર બની હોય.
કોરોના થયા પછી બાળકો પણ શિકાર બન્યા હતા, પરંતુ હવે તબીબો આ વિષે જાણી ચૂક્યા છે અને તેઓ બીમારીને શરુઆતના તબક્કામાં જ પકડી પાડશે. તબીબોના જણાવ્યા અનુસાર,અત્યારે શિયાળાના કારણે ઘણાં બાળકોને શરતી, ખાંસી, તાવ વગેરેની સમસ્યા ઉભી થઈ છે અને તેમના માતા-પિતા પરેશાન થઈને બાળકોને કોરોના ટેસ્ટ માટે મોકલે છે. બાળકની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ના હોય તો પણ તેમને કોરોના ટેસ્ટિંગ માટે લઈને આવતા માતા-પિતાને સમજાવવા તબીબો માટે પણ મુશ્કેલ કામ છે.
જામનગરની એમપી શાહ મેડિકલ કોલેજના અસોસિએટ પ્રોફેસર ડોક્ટર મૌલિક શાહ જણાવે છે કે, શાળામાં કોઈ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થાય તો વાલીઓએ ચિંતા કરવાની જરુર નથી. ડેટા અનુસાર,સ્વસ્થ બાળકોમાં અત્યાર સુધી કોઈ ગંભીર લક્ષણ દેખાયા નથી. મોટાભાગના કોરોના સંક્રમિત બાળકોમાં લક્ષણ નથી હોતા અથવા તો અત્યંત સામાન્ય લક્ષણો હોય છે. ડોક્ટર શાહ આગળ જણાવે છે કે, ઓમિક્રોન વેરિયન્ટની વાત કરીએ તો પણ અત્યંત વધારે ગંભીર હોય તેવા કેસમાં જ બાળકના મૃત્યુનું જાેખમ વધે છે. માટે ભયથી શાળાઓ બંધ કરી દેવાની સલાહ અમે નથી આપતા.SSS