ઓડિશામાં બેલિસ્ટિક મિસાઈલ પ્રલયનું સફળ પરિક્ષણ

ભુવનેશ્વર, ભારતે ઓડિશામાં સપાટીથી સપાટી પર માર કરવામાં સક્ષમ બેલિસ્ટિક મિસાઈલ ‘પ્રલય’નું સફળ પરિક્ષણ કર્યું છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા આ મિસાઈલને ડેવલપ કરવામાં આવી છે.
આ મિસાઈલ 150થી 500 કિલોમીટર દૂર પોતાના લક્ષ્યને ભેદી શકે છે. DRDO દ્વારા વિકસિત સોલિડ-ફ્યુઅલ બેટલફિલ્ડ મિસાઈલ ભારતીય બેલિસ્ટિક મિસાઈલ પ્રોગ્રામના પૃથ્વી ડિફેન્સ વ્હીકલ પર આધારિત છે.
મળતી માહિતી મુજબ એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી સવારે 10.30 વાગ્યે છોડવામાં આવેલી આ મિસાઈલે મિશનના તમામ ઉદ્દેશ્યોને પૂરા કર્યા હતાં. ટ્રેકિંગ ઉપકરણોની એક બેટરીએ દરિયાકિનારે તેના પ્રક્ષેપણનું નિરીક્ષણ કર્યું હતું.
પ્રલયએ 500-1,000 કિગ્રાની પેલોડ ક્ષમતા સાથે ટૂંકી રેન્જની સપાટીથી સપાટી પર પ્રહાર કરનારી મિસાઇલ છે. જેના કારણે તે યુદ્ધના મેદાનમાં દુશ્મનનો નાશ કરવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.
આ મિસાઈલનો ઉલ્લેખ DRDOએ વર્ષ 2015માં કર્યો હતો. તેમણે પોતાના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું કે આ બેલેસ્ટિક મિસાઈલ એક પ્રલય છે, જે ચીનની બેલેસ્ટિક મિસાઈલોનો સામનો કરવામાં સંપૂર્ણ રીતે સક્ષમ છે. આ મિસાઈલની વિશેષતા એ છે કે તેને જમીનની સાથે સાથે કન્સટરમાંથી પણ ફાયર કરી શકાય છે.