ઓમિક્રોનના કેસોની સંખ્યામાં સતત વધારોઃ માત્ર 4 રાજ્યમાં જ 64 કેસ નોંધાયા
નવી દિલ્હી, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ફરી એકવખત વધારો નોંધાયો છે. નવા ઓમિક્રોન વેરિયન્ટે ચિંતા વધારી દીધી છે. ગુરુવારે 4 રાજ્યોમાં ઓમિક્રોનના 64 નવા કેસ સામે આવ્યા છે. જેમાંથી તમિલનાડુમાં 33, તેલંગાનામાં 14, કર્ણાટકમાં 12 અને કેરળમાં 5 કેસ સામે આવ્યા છે. જે પછી દેશભરમાં નવા વેરિયન્ટથી સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યા 325 થઈ ગઈ છે.
ઓમિક્રોનના સૌથી વધુ 65 કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. 64 કેસની સાથે દિલ્હી બીજા અને 38 કેસની સાથે તેલંગાના ત્રીજા નંબરે છે.
તમિલનાડુના સ્વાસ્થ્ય મંત્રી એમ. સુબ્રમણિયમે જણાવ્યું કે નવા ઓમિક્રોનના દર્દીઓમાંથી 26 ચેન્નાઈ, 1 સલેમ, 4 મદુરાઈ અને 2 તિરુવનમલાઇમાં મળ્યા છે. સંક્રમિતોના સંપર્કમાં આવતા લોકોને ટ્રેસ કરવામાં આવી રહ્યાં છે. કેટલાંક લોકોના જીનોમ સીક્વેન્સિંગના પરિણામ આવવાના બાકી છે. રિઝલ્ટ આવ્યા બાદ સંખ્યા વધી પણ શકે છે.
કોરોનાના સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ મહારાષ્ટ્રમાં નોંધાઈ છે. રિપોર્ટ મુજબ રાજ્યમાં 35 દિવસ પછી 24 કલાકમાં 1000થી વધુ સંક્રમિતો મળ્યા છે. ગુરૂવારે મહારાષ્ટ્રમાં 1,201 કેસ આવ્યા. આ પહેલાં રાજ્યમાં 17 નવેમ્બરે 1003 કેસ આવ્યા હતા. તો મુંબઈમાં 68 દિવસ બાદ કોરોનાના 480 નવા કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં હાલ 7,093 એક્ટિવ કેસ છે.