૪૦૦ કરોડ ડ્રગ કેસ: પકડાયેલા આરોપીમાં એક પાકિસ્તાનનાં ડ્રગ માફીયાનો પુત્ર સામેલ
એટીએસની પુછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી
(સારથી એમ.સાગર) અમદાવાદ, ગુજરાત એટીએસ રાજયમાં ચાલી રહેલાં ડ્રગ નેટવર્કનો નાશ કરવા માટે સક્રીય થઈ છે અને ત્રણ વર્ષમાં રૂપિયા ૪૬૦૦ કરોડના નશીલા પદાર્થો સાથે અનેક વિદેશી તથા ભારતીય શખ્શોને ઝડપી લીધા છે.
તાજેતરમાં જખૌથી ૩પ નોટીકલ માઈલ દૂર દરીયામાંથી ૪૦૦ કરોડ રૂપિયાનો હેરોઈન જથ્થો પકડાયો હતો જેમાં છ પાકિસ્તાની નાગરીકોને ઝડપી લેવાયા હતા. આ મામલે એટીએસની તપાસમાં મોટો ખુલાસો થયો છે અને પાકિસ્તાનથી ડ્રગ્સનો જથ્થો મોકલનાર મુખ્ય આરોપીનો પુત્ર પણ પકડાયેલા આરોપીઓમાં સામેલ છે.
આ અંગેની વિગત એવી છે કે હાલમાં જ એટીએસ ડીવાયએસપી ભાવેશ રોજીયાને મળેલી બાતમીને આધારે ભારતીય તટ રક્ષક સાથે કરેલા સંયુક્ત ઓપરેશનમાં ૭૭ કિલો હેરોઈનના જથ્થા સાથે છ પાકિસ્તાની નાગરીકો ઈમરાન વાઘેર, ઈસ્માઈલ બડાલા, સાજીદ હુસેન વાઘેર, સાગર વાઘેર, દાનિશ હસેન વાઘેર તથા અશ્ફાક ઈશાક વાઘેર (તમામ રહે. કરાંચી) ઝડપાયા હતા. જેમને ભુજ કોર્ટમાં રજુ કરતાં ૧૦ દિવસના રીમાન્ડ મળ્યા છે.
ગુજરાત એટીએસની તપાસમાં હેરોઈનનો આ જથ્થો મોકલનાર શખ્શો હાજી હાસમ તથા હાજી હુસેન હોવાનું જાણવા મળ્યું હતું. આ બાબતે આરોપીઓની પુછપરછ કરતાં પકડાયેલામાંનો એક આરોપી સાજીદ વાઘેર એ ડ્રગ માફીયા હાજી હુસેનનો પુત્ર હોવાનો ખુલાસો થયો છે તથા અન્ય ડ્રગ માફીયા હાજી હાસમ એ હાજી હસન માટે જ કામ કરે છે.
એટીએસની ટીમ તમામ આરોપીઓને મુખ્ય ઓફીસ અમદાવાદ ખાતે લઈ આવી છે અને હાલમાં પણ તેમની પુછપરછ ચાલુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૪૦૦ કરોડનું હેરોઈન પંજાબ તથા અન્ય રાજયની જેલમાં રહેલા અંડરવર્લ્ડના માફીયાઓએ મંગાવ્યું હોવાનું ખૂલતા હવે જેલમાં રહેલા આ આરોપીઓ સામે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
બીજી તરફ પાકિસ્તાનમાં રહેલા ડ્રગ માફીયાનો પુત્ર જ પકડાઈ જતાં એટીએસને મોટી સફળતા હાથ લાગી છે. સાજીદની તપાસમાં ભારતમાં તથા પાકિસ્તાનમાં નશીલા દ્રવ્યોના વેપાર સાથે સંકળાયેલા ઘણાં ડ્રગ લોર્ડના નામ બહાર આવી શકે છે જેના દ્વારા ડ્રગના આ સમગ્ર નેટવર્કને તોડવામાં એટીએસને સરળતા રહેેશ.
આરોપીઓ ભાગી જાય એ પહેલાં ઝડપી લેવાયા
એટીએસની ટીમે મધદરીયે ઈન્ડીયન કોસ્ટ ગાર્ડ સાથે કરેલા ઓપરેશનમાં તેમની પાસે અગાઉથી તમામ માહીતી હતી તથા તેઓ આરોપીઓની રાહ જાેતા હતા કોડવર્ડ હરી-૧ અને હરી-ર દ્વારા આરોપીઓ રીસીવર સાથે સંપર્ક કરવાના હતા પરંતુ આરોપીઓની બોટનું એન્જીન બગડી ગયું હતું જેથી એક સમયે એટીએસને આરોપીઓ આવ્યા નથી અથવા તો જતાં રહયાનું લાગ્યું હતું પરંતુ થોડીવાર બાદ જ આરોપીઓની ચેનલ એકટીવ થઈ જતાં તે ભાગી જવાની સંભાવના હોવાથી એટીએસની ટીમે સમય બગાડ્યા વગર તમામને ઝડપી લીધા હતા.